Border Gavaskar Trophy : રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટેસ્ટ ટીમનો ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3થી મુશ્કેલ પરાજય થયો હતો. આ પછી તેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની શક્યતા લગભગ ખતમ થઈ ગઈ છે. લેટેસ્ટ સમીકરણ એ છે કે જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં 4-0થી ટેસ્ટ શ્રેણી ન જીતે તો તેણે ડબલ્યુટીસી 2024-25ની ફાઇનલ રમવાની આશા છોડી દેવી જોઈએ.
જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં નિષ્ફળ જશે તો સંભવતઃ રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દીનો અંત આવી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પહેલા પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારતના દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલે, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સહેવાગ અને એમએસ ધોનીની ટેસ્ટ કારકિર્દીનો અંતિમ પડાવ સાબિત થઈ ચૂકી છે.
અનિલ કુંબલે
2008માં ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ દરમિયાન અનિલ કુંબલે ટીમ ઇન્ડિયાના કેપ્ટન હતા. આ ચાર ટેસ્ટની શ્રેણી હતી, પરંતુ અનિલ કુંબલેએ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ (હવે અરુણ જેટલી સ્ટેડિયમ) ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. એમએસ ધોનીએ ચોથી ટેસ્ટ મેચમાં ભારતની કમાન સંભાળી હતી. ભારતે આ શ્રેણી 2-0થી જીતી લીધી હતી.
સૌરવ ગાંગુલી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સાથે સૌરવ ગાંગુલીની ટેસ્ટ કારકિર્દીનો પણ અંત આવી ગયો હતો. સૌરવ ગાંગુલીએ નાગપુરમાં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2008માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેમાં તેણે પહેલી ઈનિંગમાં 85 રન બનાવ્યા હતા. જોકે બીજી ઈનિંગમાં તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ભારતે તે ટેસ્ટ મેચ 172 રનથી જીતી લીધી હતી. સૌરવ ગાંગુલીએ તેની કારકિર્દીમાં 113 ટેસ્ટમાં 42.17ની સરેરાશથી 7212 રન ફટકાર્યા હતા. તેમાં તેની 16 સદીનો પણ સમાવેશ થાય છે.
રાહુલ દ્રવિડ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ (જાન્યુઆરી 2012) ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ભાગ હતી. રાહુલ દ્રવિડે તેની છેલ્લી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં એક અને બીજી ઇનિંગ્સમાં 25 રન બનાવ્યા હતા. આ મેચ એડિલેડના એડિલેડ ઓવલ ખાતે 24 થી 28 જાન્યુઆરી 2012 દરમિયાન રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ તે મેચ 298 રનથી જીતી હતી. રાહુલ દ્રવિડે તેની કારકિર્દીમાં 164 ટેસ્ટમાં 52.31ની સરેરાશથી 13288 રન ફટકાર્યા હતા. તેમાં તેની 36 સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – આઈપીએલ 2025 મેગા હરાજીની તારીખ જાહેર, 1574 ખેલાડીઓએ કર્યું રજિસ્ટ્રેશન
વીવીએસ લક્ષ્મણ
2001માં કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે ઓસ્ટ્રેલિયા સામે ભારતની ઐતિહાસિક જીતના હીરો વીવીએસ લક્ષ્મણની ટેસ્ટ કારકિર્દી માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી આખરી શ્રેણી સાબિત થઈ હતી. વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડની કારકિર્દીની એક જ ટેસ્ટ મેચ હતી. વીવીએસ લક્ષ્મણે તે મેચની પ્રથમ ઈનિંગમાં 18 અને બીજી ઈનિંગમાં 35 રન કર્યા હતા. વીવીએસ લક્ષ્મણે તેની કારકિર્દીમાં 134 ટેસ્ટમાં 45.97ની એવરેજથી 8781 રન ફટકાર્યા હતા. તેમાં 17 સદીનો સમાવેશ થાય છે.
વિરેન્દ્ર સેહવાગ
ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં બે ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીએ તેની ટેસ્ટ કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ભાગ બનેલા હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વીરેન્દ્ર સેહવાગે માર્ચ 2013માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ કારકિર્દીની આખરી મેચ રમી હતી. વીરેન્દ્ર સેહવાગે તે ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા. ભારતને બીજી ઈનિંગમાં બેટીંગમાં ઉતરવું પડયું ન હતું, કારણ આ મેચ ઈનિંગ અને 135 રનથી જીતી લીધી હતી. ભારત તરફથી તે ટેસ્ટ મેચમાં મુરલી વિજયે સદી (167 રન) અને ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી (204 રન) ફટકારી હતી. વિરેન્દ્ર સેહવાગે તેની કારકિર્દીમાં 104 ટેસ્ટમાં 49.34ની સરેરાશથી 8586 રન ફટકાર્યા હતા. જેમાં 23 સદી સામેલ છે.
એમએસ ધોની
પોતાના નેતૃત્વમાં આઇસીસીની ત્રણેય મોટી ટૂર્નામેન્ટ્સ (ટી-20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી) જીતનારા એમએસ ધોનીએ ડિસેમ્બર 2014માં અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને દુનિયાને ચોંકાવી દીધા હતી. એમએસ ધોનીએ મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી 4 મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ પૂરી થયા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ જ કારણ હતું કે વિરાટ કોહલીએ ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી હતી. ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. એમએસ ધોનીએ તે મેચની પ્રથમ ઇનિંગ્સમાં 11 અને બીજી ઇનિંગ્સમાં અણનમ 24 રન બનાવ્યા હતા. એમએસ ધોનીએ પોતાના કરિયરમાં 90 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેણે 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 33 અડધી સદી સામેલ હતી.