ઇન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ માટે બીજી ટર્મ ન મળ્યા બાદ હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલીએ ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ધી ઈન્ડિયન એક્સપ્રેસને એક ટેક્સ્ટ મેસેજમાં સૌરવ ગાંગુલીએ પુષ્ટિ કરી છે કે તેઓ ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ (CAB)ના પ્રમુખ પદ માટેની ચૂંટણી લડશે. ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળની ચૂંટણી 31 ઓક્ટોબરે યોજાવાની છે.
સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ તરીકે ચાલુ રાખવા ઇચ્છતા હતા, પરંતુ તેમને ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રમુખ પદની ઓફર કરવામાં આવી હતી, જેને તેમણે નકારી કાઢી હતી. BCCI એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે ICC પ્રમુખ પદ માટે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનને સમર્થન આપશે નહીં. જો તેઓ ચૂંટણી દરમિયાન ચૂંટાય છે, તો આ CAB પ્રમુખ તરીકે ગાંગુલીનો બીજો કાર્યકાળ હશે. બીસીસીઆઈના પ્રમુખ બનવાની પહેલા તેઓ વર્ષ 2015 થી 2019 સુધી CABના પ્રમુખ હતા.
સૌરવ ગાંગુલીએ વિચાર બદલ્યો
સૌરવ ગાંગુલીને CABના પ્રમુખ બદની ચૂંટણી લડતા જોઈને લાગે છે કે તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, એક બેંક માટેની પ્રમોશનલ ઇવેન્ટમાં, ગાંગુલીએ કહ્યું હતું કે, “તમે કાયમ માટે રમી શકતા નથી. તમે હંમેશા એડમિનિસ્ટ્રેટર ન હો, પરંતુ સિક્કાની બંને બાજુ જોવાની મજા આવી. હું ભવિષ્યમાં મોટી કામગીરી કરીશ.
BCCIના પ્રમુખ પદે રોજર બિન્ની નક્કી…
BCCIની વાર્ષિક સામાન્ય સભા 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજશે અને જે લોકોએ ઉમેદવારી દાખલ કરી છે, જેમાં અધ્યક્ષ પદ માટે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રોજર બિન્ની અને જય શાહ સેક્રેટરીના પદ માટે બિનહરીફ ચૂંટાશે તેવું નક્કી છે. બીસીસીઆઈની ચૂંટણી માટેની ઔપચારિકતા આગામી મંગળવારે પૂર્ણ થવાની ધારણા છે કારણ કે કોઈપણ પદ માટે એક કરતા વધુ ઉમેદવારી થઇ નથી. રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લા ડેપ્યુટી સ્પીકર તરીકે ચાલુ રહેવા તૈયારી છે. બીસીસીઆઈના હોદ્દેદારોમાં બે નવા ચહેરા હશે. મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર ખજાનચી હશે, જ્યારે આસામ ક્રિકેટ એસોસિએશનના દેવજીત સૈકિયા નવા સંયુક્ત સચિવ હશે.