South Africa vs India 2nd Test Live updates: દક્ષિણ આફ્રિકા વિ ભારત બીજી ટેસ્ટ મેચ ગુવાહાટી ખાતે ચાલી રહી છે. આજે ત્રીજા દિવસની રમતમાં ભારતીય બેટ્સમેનો ખાસ કંઇ ઉકાળી શક્યા નથી અને ભારત પર ફોલોઓન સંકટ સર્જાયું છે. દક્ષિણ આફ્રિકાની 489 રનની પ્રથમ ઇનિંગની સામે ભારતીય ટીમ માત્ર 201 રન ઓલ આઉટ થઇ છે. દક્ષિણ આફ્રિકાએ ભારતને 288 રનની લીડ આપી છે.
સુંદર અને યાદવે લડત આપી
ભારતીય બેટ્સમેનો દક્ષિણ આફ્રિકા સામે ટકી શક્યા નહીં. શરુઆત અને મિડલ ઓવરની વિકેટો સસ્તામાં પડી ગઇ હતી. જોકે વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે છેલ્લે થોડી લડત આપી હતી. પરંતુ છેવટે ટીમ ઇન્ડિયા 201 રન ઓલ આઉટ થઇ ગઇ. વોશિંગ્ટન સુંદર 48 રન અને કુલદીપ યાદવ 19 રન બનાવી આઉટ થયા. જસપ્રીત બુમરાહ 5 રને આઉટ થયો અને મોહમ્મદ સિરાજ 2 રને અણનમ રહ્યો.
માર્કો જેન્સેન બન્યો ઘાતક
દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો જેન્સેન ટીમ ઇન્ડિયા માટે ઘાતક સાબિત થયો. માર્કોએ માત્ર 19.5 ઓવરમાં 5 મેડન ઓવર નાંખી હતી. તેણે માત્ર 48 રન આપી છ વિકેટ ઝડપી હતી. ધ્રુવ જુરેલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, નિતીશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને પોતાના શિકાર બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકા એ પ્રથમ ઇનિંગમાં 489 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. બીજા દિવસના અંતે ભારતે વિના વિકેટ પર 9 રન બનાવ્યા હતા. આજે ત્રીજા દિવસની રમતની શરુઆત થતાં યશસ્વી જયસ્વાલ અને રાહુલ બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ ટીમના 65 રનના સ્કોર પર કેશવ મહારજની બોલિંગમાં 22 રન બનાવી રાહુલ એડન મારકમના હાથમાં કેચ આઉટ થયો હતો.
કે એલ રાહુલના આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલ પણ 58 રન બનાવી સિમોન હાર્મરની બોલિંગમાં માર્કો જેન્સનના હાથમાં કેચ આઉટ થયો હતો. ભારતીય ટીમે મહત્વની બે વિકેટ સસ્તામાં ગુમાવી દેતાં ટીમ માટે દબાણ સર્જાયું હતું. આ સ્થિતિમાં મેદાનમાં આવેલ સાઈ સુદર્શન પણ માત્ર 15 રન બનાવી પવેલિયન ભેગો થયો હતો. તે સિમોન હાર્મરનો શિકાર બન્યો હતો.
ધ્રુવ જુરેલ શૂન્ય રને આઉટ
સાઈ સુદરશન બાદ મેદાનમાં આવેલ ધ્રુવ જુરેલ માત્ર 11 બોલ રમી શૂન્ય રને આઉટ થયો હતો. માર્કો જેન્સેનની બોલિંગમાં કેશવ મહારાજના હાથમાં કેચ આઉટ થયો હતો. જુરેલ બાદ રિષભ પંત પણ સસ્તામાં આઉટ થયો. પંત માત્ર 7 રન બનાવી માર્કો જેન્સેનનો શિકાર બન્યા. ત્યાર બાદ નિતીશ કુમાર રેડી પણ 10 રન બનાવી માર્કો જેન્સેનની બોલિંગમાં એડન મારકમના હાથમાં ઝિલાયો.
રવિન્દ્ર જાડેજા પણ સસ્તામાં આઉટ
ટીમ માટે મોટા સ્કોરની આશા સમાન રવિન્દ્ર જાડેજા પણ માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ ટીમ માટે પરસેવો પાડી રહ્યા હતા. જોકે સુંદર 48 અને યાદવ 19 રન બનાવી આઉટ થયા હતા. જસપ્રીત બુમરાહ પણ માત્ર 5 રન બનાવી શક્યો હતો. સિરાજ 2 રન બનાવી અણનમ રહ્યો.
આ પણ વાંચો | દક્ષિણ આફ્રિકા વિ. ભારત વન ડે માટે ટીમ ઇન્ડિયા જાહેર, જુઓ લિસ્ટ
અહીં નોંધનિય છે કે, 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા પ્રથમ ટેસ્ટ મેચ જીતી 1-0 થી આગળ છે. શ્રેણી બરાબર કરવા માટે ભારતે આ મેચ જીતવી જરુરી છે.





