India Junior Women Hockey Team : કેન્દ્રીય રમત મંત્રાલયે ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમના કોચ સામેના જાતીય સતામણીના આક્ષેપોની તપાસના આદેશ આપ્યા છે. ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમ એફઆઈએચ હોકી જૂનિયર વર્લ્ડ કપ 2025માં ભાગ લેવા માટે ચિલીના સેન્ટિયાગો જવાની છે. આ ટૂર્નામેન્ટની શરુઆત 1 ડિસેમ્બરથી શરુ થશે અને આ પહેલા રમત મંત્રાલયે આ પગલું ભર્યું છે.
ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમના કોચ પર યૌન શોષણનો આરોપ
ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમ ભૂતકાળમાં વિદેશ પ્રવાસે ગઈ હતી અને તેમાંથી એક પ્રવાસ દરમિયાન કથિત ગલત વ્યવહારનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસ જૂનમાં આર્જેન્ટીના, બેલ્જીયમ અને નેધરલેન્ડ અને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ હતા. માનવામાં આવે છે કે મહિલા ટીમની એક સભ્ય ઘણી વખત કોચના રૂમમાં જતી જોવા મળી હતી.
આ અંગે રમત મંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું કે અમે પહેલા તપાસના રિપોર્ટની રાહ જોઈશું અને ત્યાર બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવશે. અમારો ડિપાર્ટમેન્ટ આવા કેસોને ખૂબ જ ગંભીરતાથી લે છે અને જો કોઈ દોષી હશે તો અમે કડક કાર્યવાહી કરીશું. જોકે હજુ સુધી રમત મંત્રાલય કે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કે ભારતમાં ફિલ્ડ હોકીની ગવર્નિંગ બોડી હોકી ઈન્ડિયાને કોઈ ઔપચારિક ફરિયાદ કરવામાં આવી નથી.
રમત મંત્રાલયે તપાસનો આદેશ આપ્યો
આ પછી આ મામલો રમત મંત્રી મનસુખ માંડવિયાના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો, જેમણે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. રમત મંત્રાલયના એક સૂત્રએ ધ ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે આ ગંભીર મામલો અમારા ધ્યાનમાં લાવવામાં આવ્યો છે અને આ કારણે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અમે હમણાં ઉતાવળમાં કંઇ કહેવા માંગતા નથી કારણ કે અમારે પહેલા વિગતો જાણવી પડશે. અમે રિપોર્ટની રાહ જોઈશું અને પછી કાર્યવાહી કરીશું.
આ પણ વાંચો – હરભજન સિંહે પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવતા વિવાદ, એકસમયે પાક સામે રમવાની ના પાડી હતી
હોકી ઈન્ડિયાએ કહ્યું કે મામલાની કોઈ જાણકારી નથી
બીજી તરફ કાયદા મુજબ કોચ, ફરિયાદી અને જે ખેલાડીની વાત કરવામાં આવી રહી છે તેનું નામ જાહેર કરી શકાતું નથી. પ્રિવેંશન ઓફ સેક્યુઅલ હેરસમેન્ટ એક્ટ અંતર્ગત ફરિયાદ કરનાર, આરોપી અને સાક્ષીઓની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવી જરૂરી છે. હોકી ઈન્ડિયાના સેક્રેટરી જનરલ ભોલાનાથ સિંહે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું પહેલીવાર આ પ્રકારના કેસ વિશે સાંભળી રહ્યો છું. હું એવી કોઇ વાત પર કોમેન્ટ ના કરી શકું જે હોકી ઈન્ડિયાના ધ્યાન પર આવી ન હોય. અમે મંત્રાલયના અહેવાલની રાહ જોઈશું, જોકે તેઓએ (મંત્રાલયના અધિકારીઓ) હજી સુધી આ સંવેદનશીલ મામલે અમારો સંપર્ક કર્યો નથી.





