Syed Mushtaq Ali Trophy Abhishek Sharma Run : સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની ટી-20ની શ્રેણી અગાઉ ભારતીય ઓપનર અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. અભિષેક શર્માએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 284થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે 148 રનની આક્રમક ઈનિંગ રમી છે.
પંજાબ તરફથી રમતા અભિષેકે બંગાળ સામે માત્ર 52 બોલમાં 16 ફોર અને 8 સિક્સરની મદદથી 148 રન ફટકાર્યા હતા. અભિષેકે માત્ર 12 બોલમાં અડધી સદી અને 32 બોલમાં સદી પુરી કરી હતી.
અભિષેક શર્માએ 12 બોલમાં અડધી સદી ફટકારી
પ્રભસિમરન સિંહની સાથે ઈનિંગની શરૂઆત કરતાં અભિષેકે મોહમ્મદ શમી અને આકાશદીપ જેવા બોલરોથી સજ્જ બોલિંગ આક્રમણને વામણું સાબિત કર્યું હતું. અભિષેક શર્માએ 12 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી પુરી કરી હતી. ટી-20માં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલામાં તેણે તેના મેન્ટર યુવરાજ સિંહની બરાબરી કરી હતી.
અભિષેક શર્માએ 32 બોલમાં સદી ફટકારી
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પંજાબની કેપ્ટન્સી કરી રહેલા અભિષેક શર્માએ 32 બોલમાં 11 સિક્સર અને 7 ફોરની મદદથી સદી પુરી કરી હતી. પંજાબની ટીમે બંગાળ સામે 20 ઓવરમાં 5 વિકેટે 310 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં 300 રન બનાવનાર પંજાબ બીજી ભારતીય ટીમ બની હતી. આ પહેલા વડોદરાએ 2024માં સિક્કિમ વિરુદ્ધ 349 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – વર્લ્ડ કપ ટીમમાં સામેલ હતી, ખેતરમાં ડાંગર કાપતા ફોટો થયો હતો વાયરલ, હવે WPLમાં રહી અનસોલ્ડ
ગત વર્ષે અભિષેક સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મેઘાલય સામે માત્ર 28 બોલમાં સૌથી ઝડપી ટી-20 સદી ફટકારનારો ભારતીય બેટ્સમેન બન્યો હતો. ગુજરાતના ઉર્વિલ પટેલે પણ ગત સિઝનમાં આટલા જ બોલ પર સદી ફટકારી હતી.
અભિષેકે પોતાનો જ રેકોર્ડ તોડ્યો
બંગાળ સામેની આ ઈનિંગમાં અભિષેકે 8 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે ટી-20માં ભારતીય તરીકે એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેણે 2024માં 87 છગ્ગા ફટકાર્યા હતા. 2025માં તે 91 સિક્સર ફટકારી ચુક્યો છે. સૂર્યકુમાર યાદવે 2022માં 85 છગ્ગા ફટકાર્યા હતા.
યુવરાજ સિંહની બરોબરી કરી
અભિષેક શર્માએ 12 બોલમાં અડધી સદી ફટકારીને તેના માર્ગદર્શક યુવરાજ સિંહની બરોબરી કરી હતી. યુવરાજે ટી-20 વર્લ્ડ કપ 2007માં ઇંગ્લેન્ડ સામે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. ટી-20માં ભારતીય બેટ્સમેનની આ બીજી ફાસ્ટેસ્ટ અડધી સદી છે. આશુતોષ શર્માના સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી છે. તેણે રેલવે તરફથી 2023માં અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં અડધી સદી ફટકારી હતી. અભિષેકે 12 બોલમાંથી માત્ર 1 ડોટ બોલ રમ્યો હતો.
રોહિત શર્માની બરોબરી કરી
અભિષેક શર્માએ 157 ટી-20 ઇનિંગ્સમાં 8 સદી ફટકારી છે. તેણે ટી-20માં ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ સદી ફટકારવાની બાબતમાં રોહિત શર્માની બરોબરી કરી હતી. રોહિતે પણ 8 સદી ફટકારી છે. વિરાટ કોહલી પાસે સૌથી વધુ 9 સદી છે.





