T20 World Cup 2024 Teams : ટી-20 વર્લ્ડ કપ 2024 આવતા વર્ષે વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં રમાશે અને તેમાં ભાગ લેનારી તમામ 20 ટીમોના નામ સામે આવી ગયા છે. આવું પહેલીવાર બનશે જ્યારે ટી-20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે અને આ વખતે આ વર્લ્ડ કપ અલગ ફોર્મેટમાં રમાશે. અમે તમને ટી -20 વર્લ્ડ કપ 2024 કેવી રીતે રમાશે અને તેનું ફોર્મેટ શું હશે તે વિશે માહિતી આપી રહ્યા છીએ.
ટી-20 વર્લ્ડ કપ 2024માં તમે કેટલીક એવી ટીમોને રમતાં જોશો જેને તમે કદાચ આ મોટી ટૂર્નામેન્ટમાં પહેલા ક્યારેય રમતાં જોઈ હશે નહીં. જેમાં કેટલાક મુખ્ય નામ નેપાળ, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગિની, કેનેડા, નામિબિયા, ઓમાન છે. આ ટીમો ક્વોલિફાયર મેચો દ્વારા આ ટૂર્નામેન્ટમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે. વેસ્ટ ઇન્ડીઝ અને યુએસએ આ ટૂર્નામેન્ટનો ભાગ બનશે કારણ કે તેઓ યજમાન ટીમો છે.
ટી -20 વર્લ્ડ કપ 2024 નું ફોર્મેટ કેવું હશે?
ટી-20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લેશે અને તમામ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. આ ચાર ગ્રુપમાં 5-5 ટીમ હશે અને આ ગ્રુપમાંથી જે બે ટીમ ટેબલમાં ટોપ પર રહેશે તે સુપર 8માં પહોંચી જશે. એટલે કે ગ્રુપ એ, બી, સી અને ડીમાં સામેલ પાંચ ટીમોમાંથી જે બે ટીમો પોઈન્ટના આધારે ટોચ પર રહેશે તે સુપર 8 માં પહોંચી જશે.
આ પણ વાંચો – રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે યથાવત્ રહેશે
સુપર 8માં પહોંચનારી ટીમોને ફરી 4-4 ટીમો સાથે બે ગ્રુપમાં વહેંચવામાં આવશે અને આ ગ્રુપમાં ટોચની બે ટીમો સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. એટલે કે સુપર 8ના એ અને બી એમ બે ગ્રુપ હોય તો આ બંને ગ્રુપમાં જે ટોચની ટીમો સેમિ ફાઈનલમાં પ્રવેશ કરશે. સેમિ ફાઇનલમાં જીતનારી ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે.
ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થયેલી ટીમો
ભારત, વેસ્ટ ઇન્ડીઝ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, પીએનજી, નેપાળ, કેનેડા, નામિબિયા, ઓમાન, યુગાન્ડા.