IND vs AFG T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ 2024ની પોતાની ચારમાંથી ત્રણ ગ્રુપ મેચ અમેરિકાના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં રમી હતી. અહીંની પીચ પર ભારતીય બેટ્સમેનો કેવા સંઘર્ષ કરી રહ્યા હતા તે બધાયે જોયું હતું. માત્ર ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો જ નહીં પરંતુ અન્ય દેશોના બેટ્સમેનોને પણ રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. ભારતીય ટીમ યુએસમાં પોતાની તમામ મેચ રમી ચૂકી છે અને હવે વેસ્ટ ઈન્ડીઝમાં પોતાની મેચો રમશે.
તેમાં કોઈ શંકા નથી કે વેસ્ટ ઈન્ડીઝની પીચ નાસાઉ જેવી નહીં હોય અને અહી રોમાંચક મેચો જોવા મળી શકે છે. ભારતીય ટીમ સુપર 8મા પહોંચી ગઇ છે અને તે પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે કેસિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે રમવાની છે. ટીમ ઈન્ડિયાને અહી રમવાનો અનુભવ છે અને તેનો ફાયદો ભારતીય ટીમને ચોક્કસ મળશે.
અમેરિકાથી વેસ્ટ ઈન્ડીઝ આવેલી ભારતીય ટીમને અહીંની પરિસ્થિતિને અનુકૂળ થવાનો ખાસ સમય મળ્યો નથી. પરંતુ પ્રોફેશનલ ક્રિકેટમાં એ જ ટીમ વધુ સફળ છે જે દરેક પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરે છે અને ટીમ ઈન્ડિયા પાસેથી પણ કંઈક આવી જ આશા રાખી શકીએ છીએ.
બાર્બાડોસમાં સ્પિનરો અને ફાસ્ટ બોલરો બન્નેને મદદ મળે છે
બાર્બાડોસના કેસિંગ્ટન ઓવલની પીચની વાત કરીએ તો અહીં બોલ અને બેટ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. અહીની પીચ માટીની સાથે સાથે ઝીણી રેતી અને કાંકરીથી બનેલી હોય છે અને આવી સ્થિતિમાં અહી બોલરોને સારો એવો ઉછાળ મળતો હોય છે. અહીની પીચની બનાવટના કારણે ફાસ્ટ બોલરોને સ્વિંગ પણ મળે છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 : હવે આ 8 ટીમો વચ્ચે વર્લ્ડ ચેમ્પિયન બનવા જંગ, જાણો શું છે તાકાત અને નબળાઇ
આ મેદાન પર બેટ્સમેને મોટી ઈનિંગ રમવા માટે ક્રિઝ પર સમય પસાર કરવો પડશે અને બોલ જૂનો થવા માટે તેણે રાહ પણ જોવી પડશે. આ મેદાન પર જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ પીચ પણ ધીમી પડતી જાય છે અને તે સ્પિનરને પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલાની પુરી આશા છે.
પ્રથમ બેટિંગ કરનાર ટીમને ફાયદો થશે
બાર્બાડોસમાં શરુઆતમાં ફાસ્ટ બોલરોને મદદ મળશે અને ત્યાર બાદ સ્પિનરોને મદદ મળશે. આ સ્થિતિમાં બેટ્સમેનોની આકરી કસોટી થશે. પ્રથમ બેટીંગ કરનારી ટીમને અહીં ફાયદો થશે. બીજી બેટિંગ કરનાર ટીમ માટે સ્પિનર્સ ખતરનાક સાબિત થઈ શકે છે.
આ પીચ પર જો પહેલા બેટિંગ કરતી વખતે બોર્ડ પર સારો બનાવવામાં આવે તો બીજી ઇનિંગમાં વિરોધી ટીમ માટે મુશ્કેલી થઇ શકે છે. અહીં ટોસની ભૂમિકા મહત્વની બની રહેવાની છે અને ટોસ જીતનારી ટીમને ફાયદો મળે તેવી શક્યતા છે.





