T20 World Cup Prize Money : T20 વર્લ્ડ કપની 125 કરોડની ઈનામી રકમ કેવી રીતે વહેંચવામાં આવશે : ટી20 વર્લ્ડ કપ 2024 ભારતે પોતાના નામે કરી લીધો છે. ત્યારબાદ બીસીસીઆઈ અને આસીસી તરફથી ખેલાડીઓ અને ટીમ પર ઈનામી રકમનો વરસાદ થયો છે. 125 કરોડની મોટી ઈનામી રકમ મળી છે. હવે પ્રશ્ન એ હતો કે, આ રકમની કેવી રીતે વહેંચણી કરવામાં આવશે, તો જોઈએ કયા ખેલાડીને કેટલા રૂપિયા મળશે?.
T20 World Cup 2024: ઈનામી રકમની આ રીતે વહેંચણી થશે
ખેલાડીઓને 5 કરોડ રૂપિયા, દ્રવિડને 2.5 કરોડ રૂપિયા; રિઝર્વ ખેલાડીઓને 1 કરોડ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જાહેર કરાયેલા 125 કરોડ રૂપિયામાંથી 15 ખેલાડીઓને 5 કરોડ રૂપિયા આપવામાં આવશે, જેમાં તે ત્રણ ખેલાડીઓ પણ સામેલ છે, જેમને કોઈપણ મેચ રમવાની તક મળી નથી.
તો મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે બાકીના કોર કોચિંગ ગ્રૂપ – બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે પ્રત્યેકને 2.5 કરોડ રૂપિયા મળશે, અને વરિષ્ઠ પસંદગી સમિતિના ચેરમેન અજીત અગરકર સહિત પાંચ સભ્યોને પ્રત્યેકને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે, એમ ધ ઈન્ડિયન એક્સપ્રેસે જાણ્યું છે.
આ બાજુ બાકીના બેકરૂમ સ્ટાફને પણ પુરસ્કાર આપવામાં આવશે. ત્રણ ફિઝિયોથેરાપિસ્ટ, ત્રણ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ, બે માલિશ કરનારા અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ પ્રત્યેકને 2 કરોડ રૂપિયા મળશે. તો ચાર રિઝર્વ ખેલાડીઓ – બેટ્સમેન રિંકુ સિંહ અને શુભમન ગિલ, ઝડપી બોલર અવેશ ખાન અને ખલીલ અહેમદ – પણ 1 કરોડ રૂપિયાથી વધુ સમૃદ્ધ થશે.
આ સિવાય ઓપનર યશસ્વી જયસ્વાલ, વિકેટકીપર સંજુ સેમસન અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ટીમમાં હતા, પરંતુ તેઓ કોઈ મેચ રમ્યા નહોતા. તેમને દરેકને 5 કરોડ રૂપિયા મળશે.
ટી20 વર્લ્ડ કપની ઈનામી રકમ 42 લોકો વચ્ચે વહેંચવામાં આવશે
વર્લ્ડ કપ માટે પ્રવાસ કરી રહેલી ભારતીય ટુકડીમાં કુલ 42 લોકો સામેલ હતા. ટીમના વિડિયો વિશ્લેષકો, મીડિયા અધિકારીઓ અને ટીમના લોજિસ્ટિક્સ મેનેજર સહિત ટીમ સાથે પ્રવાસ કરી રહેલા BCCI સ્ટાફના સભ્યોને પણ ઈનામ આપવામાં આવશે, એવું જાણવા મળ્યું છે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બીસીસીઆઈ તરફથી મળવાની ઈનામની રકમ વિશે જાણ કરવામાં આવી છે અને અમે દરેકને ચલણ સબમિટ કરવા કહ્યું છે.”
ઈનામી રકમમાં ખેલાડીઓ સાથે સપોર્ટ સ્ટાફ, કોચ અને પસંદગીકારો પણ હકદાર : જય શાહ
રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ T20 વર્લ્ડ કપ જીત્યાના એક દિવસ બાદ BCCI સેક્રેટરી જય શાહ દ્વારા ઈનામની રકમની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતુ કે, “જ્યાં સુધી 125 કરોડ રૂપિયાની વાત છે, તેમાં ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, કોચ અને પસંદગીકારો પણ સામેલ હશે.”
ત્રણ ફિઝિયોથેરાપિસ્ટ કમલેશ જૈન, યોગેશ પરમાર અને તુલસીરામ યુવરાજ છે; ત્રણ થ્રોડાઉન નિષ્ણાતો રાઘવેન્દ્ર દાવગી, નુવાન ઉદેનેકે અને દયાનંદ ગરાણી છે, અને બે માલિશ કરનારાઓ રાજીવ કુમાર અને અરુણ કનાડે છે. સોહમ દેસાઈ સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ છે.
મહારાષ્ટ્ર સીએમ અકનાથ શિંદેએ ટીમને 11 કરોડ ઈનામની કરી જાહેરાત
આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ ટીમને 11 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. 2013 માં, જ્યારે ભારતે એમએસ ધોનીની કપ્તાની હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, ત્યારે બીસીસીઆઈએ દરેક ખેલાડી માટે 1 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી, જ્યારે સપોર્ટ સ્ટાફને 30 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
2011માં જ્યારે ભારતે મુંબઈમાં 50-ઓવરનો વર્લ્ડ કપ જીત્યો હતો, જ્યારે ધોની કેપ્ટન હતો, ત્યારે શરૂઆતમાં ખેલાડીઓ માટે ઈનામની રકમ 1 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને વધારીને 2 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. સપોર્ટ સ્ટાફને 50 લાખ રૂપિયા જ્યારે પસંદગીકારોને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. 2007માં જ્યારે ધોનીની ટીમે પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે ટીમને કુલ 12 કરોડ રૂપિયા મળ્યા હતા.
આ પણ વાંચો – BCCIએ હવે ભારતીય ટીમ માટે ખજાનો ખોલ્યો, ICC ની કુલ ઈનામી રકમ કરતાં રૂ. 31 કરોડ વધુની કરી જાહેરાત
1983 માં જ્યારે ભારતે તેનું પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું ત્યારે BCCI પાસે તેના ખેલાડીઓને પુરસ્કાર આપવા માટે પૂરતું ભંડોળ નહોતું. બોર્ડે સ્વર્ગસ્થ લતા મંગેશકરનો સંપર્ક કર્યો, જેઓ વિજેતા ક્રિકેટરો માટે ભંડોળ એકત્ર કરવા માટે કોન્સર્ટનું આયોજન કરવા સંમત થયા હતા.
- ટીમના વિડિયો એનાલિસ્ટ, વર્લ્ડ કપમાં BCCI સ્ટાફ, મીડિયા ઓફિસર અને ટીમના લોજિસ્ટિક્સ મેનેજરને પણ ઈનામી રકમ મળશે.





