Rahul Dravid : ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને રાહુલ દ્રવિડ હંમેશા પોતાની સાદગીથી એક ઉદાહરણ પૂરું પાડે છે. વર્લ્ડ ચેમ્પિયન કોચ બન્યા બાદ દ્રવિડે ફરી એકવાર એવું કામ કર્યું કે પ્રશંસકોનું દિલ જીતી લીધું છે. રાહુલે એક એવો નિર્ણય લીધો જેણે સાબિત કરી દીધું કે તે પોતાને કોઈનાથી ઉપર માનતો નથી.
વર્લ્ડ ચેમ્પિયન ટીમને 125 કરોડ રૂપિયા આપવામાં આવ્યા
બીસીસીઆઈએ ટી 20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 125 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ટીમના તમામ 15 ખેલાડીઓ અને હેડ કોચ રાહુલ દ્રવિડને પાંચ-પાંચ કરોડ રુપિયા આપવાના હતા. કોચિંગ સ્ટાફમાં રહેલા બાકીના સભ્યોને 2.5 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે રાહુલ દ્રવિડે 5 કરોડ રૂપિયા સ્વીકારવાની ના પાડી દીધી છે.
આ પણ વાંચો – Gautam Gambhir : ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા બાદ સામે આવી પહેલી પ્રતિક્રિયા, શું કહ્યું જાણો
રાહુલ દ્રવિડે 5 કરોડ રૂપિયા સ્વીકારવાનો કર્યો ઈન્કાર
મીડિયા રિપોર્ટ જણાવે છે કે રાહુલ દ્રવિડે પાંચ કરોડને બદલે માત્ર રુપિયા 2.5 કરોડ જ લેવાનો નિર્ણય લીધો છે, કારણ કે બાકીના કોચિંગ સ્ટાફને પણ તેટલી જ રકમ આપવામાં આવી હતી. બેટીંગ કોચ વિક્રમ રાઠૌર, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે માટે રુપિયા 2.5 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. દ્રવિડ પોતાને સાથીઓથી ઉપર ગણતો નથી અને તેથી તેણે માત્ર 2.5 કરોડ રૂપિયા જ લેવાનો નિર્ણય કર્યો હતો.
હિન્દુસ્તાન ટાઈમ્સે બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે વર્લ્ડ કપ વિજેતા કોચ રાહુલ દ્રવિડ તેના બાકીના સ્ટાફ જેટલું જ બોનસ લેવા માંગે છે. અમે તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ.





