T20 World Cup 2026 : ભારતને વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર રોહિત શર્માને ટી 20 વર્લ્ડ કપ 2026નો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. મંગળવારને 25 નવેમ્બરના રોજ ICC ના અધ્યક્ષ જય શાહે ટી20 વર્લ્ડ કપ 2026 નો કાર્યક્રમ જાહેર કરતી વખતે આ જાહેરાત કરી હતી. રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ 2026નો બ્રાન્ડ એમ્બેસેડર બનનાર પ્રથમ એક્ટિવ ખેલાડી (જેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ના હોય)છે.
રોહિત શર્મા હજુ પણ વન-ડે ક્રિકેટ રમે છે
જોકે રોહિત શર્માએ ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે પણ તે હજુ વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે, એટલે કે તે હજુ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી નથી. આ કારણોસર તે આ પદ સંભાળનાર પ્રથમ સક્રિય ક્રિકેટર બની ગયો છે. રોહિત શર્મા હજુ પણ વન-ડે ક્રિકેટ રમે છે.
જય શાહે કહ્યું કે મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે રોહિત શર્મા ભારત અને શ્રીલંકામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2026નો બ્રાન્ડ એમ્બેસેડર છે. ટી 20 વર્લ્ડ કપ 2024 ના વિજેતા કેપ્ટન અને અત્યાર સુધીની તમામ નવ એડિશનમાં (2007 ટી 20 વર્લ્ડ કપથી લઈને 2024 વર્લ્ડ કપ સુધી) રમનાર ખેલાડી કરતાં આ ટૂર્નામેન્ટનો વધુ સારો પ્રતિનિધિ બીજો કોઈ હોઈ શકે નહીં.
રોહિત શર્મા જેવા ખેલાડીની ભાગીદારી વૈશ્વિક ચાહકો માટે પ્રોત્સાહક છે – જય શાહ
જય શાહે કહ્યું કે આ ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા જેવા ખેલાડીની ભાગીદારી વૈશ્વિક ચાહકો માટે પ્રોત્સાહક છે. રોહિતનો અનુભવ, રમતમાં યોગદાન અને આંતરરાષ્ટ્રીય માન્યતા ટી-20 વર્લ્ડ કપને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જય શાહે કહ્યું કે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ટૂર્નામેન્ટ આઠ સ્થળો પર રમાશે (પાંચ ભારતના અને ત્રણ શ્રીલંકાના). આ ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન રમાશે. આ ઈવેન્ટ દરમિયાન દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ચેન્નાઈ, મુંબઈ, કોલંબો અને કેન્ડીમાં મેચો રમાશે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2026 નો કાર્યક્રમ જાહેર, ભારત વિ પાકિસ્તાન મુકાબલો આ તારીખે યોજાશે
રોહિત શર્માએ કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી
રોહિત શર્માએ તેની કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. રોહિતે ટી-20માં ભારત માટે ખૂબ જ સારો દેખાવ કર્યો હતો અને તેણે 32.01ની એવરેજ અને 140.89ની સ્ટ્રાઇક રેટથી 4231 રન બનાવ્યા હતા. તેમની કેપ્ટન્સી હેઠળની ભારતે 2024માં ટી-20 વર્લ્ડ કપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. વિશ્વભરમાં તેમની લોકપ્રિયતા, બેટિંગ રેકોર્ડ અને નેતૃત્વ ક્ષમતાએ તેમને ક્રિકેટનો વૈશ્વિક ચહેરો બનાવ્યો છે. આ કારણે આઇસીસીએ તેને ટી-20 વર્લ્ડ કપ 2026નું પ્રતીક માન્યું છે.





