T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024ની પસંદગી બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે ટીમની પસંદગી અંગે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે ઘણી વાતો જણાવી હતી. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે કેએલ રાહુલની ટીમમાં પસંદગી કેમ ન થઈ તો અજીત અગરકરે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે કેએલ રાહુલ એક શાનદાર ખેલાડી છે, પરંતુ મને લાગે છે કે ઋષભ પંત અને સંજૂ સેમસને ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને બંને અમારા માટે સંપૂર્ણ રીતે પરફેક્ટ હતા. આ કારણે રાહુલને ટીમની બહાર રાખવામાં આવ્યો છે.
મિડલ ઓર્ડર બેટ્સમેનના વિકલ્પ પર ધ્યાન આપી રહ્યા હતા
આ ઉપરાંત અજીત અગરકરે કહ્યું કે અમે મુખ્યત્વે મિડલ ઓર્ડર બેટ્સમેનના વિકલ્પ પર ધ્યાન આપી રહ્યા હતા. અમને લાગે છે કે સંજુ અને પંત આ માટે વધુ સારા વિકલ્પો છે. સંજુ કોઈપણ પોઝિશન પર બેટિંગ કરી શકે છે અને તેથી જ અમે તેને પસંદ કર્યો. કોણ વધુ સારો બેટ્સમેન છે તેના આધારે તેની પસંદગી કરવામાં આવી નથી.
હાર્દિક પંડ્યા ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ
રિંકુ સિંહ વિશે વાત કરતા અગરકરે કહ્યું કે રિંકુ સિંહને મુખ્ય ટીમમાં પસંદ ન કરવો એ એક અઘરો નિર્ણય હતો. પરંતુ તે ટીમમાં સ્થાન ન બનાવી શક્યો તેમાં તેનો કોઈ વાંક નથી. જ્યારે પણ તેને તક મળી તેણે સારું પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડયા અંગે કહ્યું કે ઓલરાઉન્ડર તરીકે તે અમારા માટે ખુબ જ મહત્વનો છે. જોકે તેની ફિટનેસ અમારા માટે ખુબ જ અગત્યની છે, પણ તે ટીમમાં જે પ્રકારની વસ્તુ લાવે છે તે કમાલની છે.
રોહિત શર્માએ શું કહ્યું
આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્માને કેપ્ટનશિપ પદેથી દૂર કર્યો હતો અને હાર્દિક પંડયાને કમાન સોંપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. રોહિતે કહ્યું કે આ મારા માટે નવી વાત નથી. હું અગાઉ પણ ઘણા કેપ્ટન હેઠળ રમી ચૂક્યો છું.
રોહિત શર્માએ કહ્યું કે હું કેપ્ટન હતો પછી કેપ્ટન રહ્યો નહીં અને હવે હું ફરી કેપ્ટન છું. તે જીવનનો એક ભાગ છે. બધું જ તમારી મરજી પ્રમાણે થાય નહીં. તે એક શાનદાર અનુભવ રહ્યો છે. મારા જીવનમાં હું પહેલા પણ કેપ્ટન ન હતો અને જુદા જુદા કેપ્ટન હેઠળ રમ્યો હતો. તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. મેં હંમેશા તે જ કરવાનો પ્રયત્ન કર્યો છે જે એક ખેલાડી તરીકે જરૂરી છે અને મેં છેલ્લા એક મહિનામાં તે કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો – T20 World Cup 2024 માટે ટીમ ઇન્ડિયા જાહેર, સંજૂ સેમસન-ચહલ ઇન કેએલ રાહુલ બહાર, જુઓ ટીમ યાદી
અજીત અગરકરે કહ્યું કે રોહિત શાનદાર કેપ્ટન રહ્યો છે. 50 ઓવરના વર્લ્ડ કપ અને આ (ટી-20) વર્લ્ડ કપ વચ્ચેના 6 મહિના દરમિયાન અમારે કેટલાક નિર્ણયો લેવાના હતા, તેમાં કોઈ શંકા નથી. હું જાણું છું કે હાર્દિકે કેટલીક શ્રેણીમાં નેતૃત્વ કર્યું છે પણ રોહિત શાનદાર રહ્યો છે.
ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ (India T20 World Cup 2024 Squad)
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ પ્લેયર
શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન
ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો ગ્રુપ કાર્યક્રમ
- 5 જૂન – ભારત વિ આયર્લેન્ડ
- 9 જૂન – ભારત વિ પાકિસ્તાન
- 12 જૂન – ભારત વિ યુએસએ
- 15 જૂન – ભારત વિ કેનેડા
ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ
ગ્રુપ એ – યુએસએ, ભારત, પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડ.
ગ્રુપ બી – ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન
ગ્રુપ સી – વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની
ગ્રુપ ડી – દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળ.





