રડતાં રડતાં નિવૃત્તિ જાહેર કરનાર તમિમ ઇકબાલે એક દિવસ બાદ યૂ-ટર્ન લીધો, પીએમ શેખ હસીનાને મળ્યા બાદ નિર્ણય બદલ્યો

Tamim Iqbal Retirement : તમિમ ઇકબાલના કિસ્સામાં તેમના દેશના વડાપ્રધાને દરમિયાનગીરી કરી હતી અને તેમણે નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો

Written by Ashish Goyal
July 07, 2023 23:38 IST
રડતાં રડતાં નિવૃત્તિ જાહેર કરનાર તમિમ ઇકબાલે એક દિવસ બાદ યૂ-ટર્ન લીધો, પીએમ શેખ હસીનાને મળ્યા બાદ નિર્ણય બદલ્યો
બાંગ્લાદેશી ક્રિકેટર તમિમ ઇકબાલ (ફાઇલ ફોટો)

Tamim Iqbal Withdraws Retirement : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના સિનિયર પ્લેયર અને વન ડે ટીમના પૂર્વ કેપ્ટન તમિમ ઇકબાલે 6 જુલાઇ 2023ને ગુરુવારના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે એક દિવસ બાદ શુક્રવારે તેણે નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી. નવાઈની વાત એ છે કે નિવૃત્તિની જાહેરાત બાદ લિટન દાસને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે શું તેને ફરીથી ટીમની કમાન મળશે?

બાંગ્લાદેશ તરફથી વન-ડે ટીમની કેપ્ટનશિપ તમિમ ઇકબાલ સંભાળી રહ્યો હતો. જ્યારે લિટન દાસ ટેસ્ટ ટીમનું સુકાન સંભાળી રહ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી)શુક્રવારે લિટન દાસને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. ઇએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર તમિમ ઇકબાલે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત બાદ નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.તમિમ શુક્રવારે બપોરે વડા પ્રધાન શેખ હસીનાને મળ્યા હતા.

તમિમ ઇકબાલે ભારતમાં વનડે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના અભિયાનની શરૂઆત થયાના ત્રણ મહિના પહેલા અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

આ પણ વાંચો – વન-ડે વર્લ્ડકપ 2023માં શ્રીલંકા અને નેધરલેન્ડ્સ ક્વોલિફાય, ટૂર્નામેન્ટ માટે ફાઇનલ થઇ ગઇ 10 ટીમો

ઘણા ખેલાડીઓ નિવૃત્તિથી પરત ફરી ચૂક્યા છે

ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલી વખત નથી કે બન્યું કે કોઈ ખેલાડીએ નિવૃત્તિ લીધા પછી પરત ફર્યા હોય. પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાન, શાહિદ આફ્રિદી, ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પરત ફર્યા હતા.

તમિમના કિસ્સામાં તેમના દેશના વડાપ્રધાને દરમિયાનગીરી કરી હતી અને તેમણે નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. ગુરૂવારે તમિમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ વાતની જાહેરાત કરી હતી અને નિવૃત્તિની જાહેરાત કરતા તે રડી પડ્યો હતો.

લિટન દાસે ગણાવ્યો ચોંકાવનારો નિર્ણય

તમિમ ઇકબાલની નિવૃત્તિ બાદ જ્યારે લિટન દાસને વન-ડે ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી ત્યારે તેણે આ નિર્ણયને ખૂબ જ ચોંકાવનારો નિર્ણય ગણાવ્યો હતો. લિટન દાસે કહ્યું હતું કે તેને અથવા તેમની ટીમના કોઈપણ ખેલાડીને આવી અપેક્ષા ન હતી. પરંતુ તે તેમનો નિર્ણય હતો અને અમે બધા તેનું સન્માન કરીએ છીએ.

તમિમ ઇકબાલ હાલ અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી ત્રણ વન ડેની શ્રેણીમાં ટીમની કેપ્ટન્સી સંભાળી રહ્યો હતો અને તેણે પ્રથમ વન ડે બાદ જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ