Rohit Sharma: રોહિત શર્માનો ભારતીય વન-ડે કેપ્ટન તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શુભમન ગિલને વન ડે ટીમનો નવા કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. જોકે 38 વર્ષીય રોહિત શર્મા આ શ્રેણી માટે ટીમનો ભાગ છે. ભૂતપૂર્વ ભારતીય પસંદગીકાર અને પૂર્વ વિકેટકીપર સબા કરીમે સવાલ કર્યો છે કે જો રોહિત 2027 વર્લ્ડ કપ માટે ટીમની યોજનાઓનો ભાગ બનવાની સંભાવના નથી તો તેને આ પ્રવાસ માટે ટીમમાં કેમ રાખવામાં આવ્યો છે.
પસંદગીકારોએ રોહિત શર્મા સાથે ખૂબ જ ઉતાવળ કરી – સબા કરીમ
ભારતીય પસંદગી સમિતિના પૂર્વ સભ્ય સબા કરીમે યુટ્યુબ ચેનલ કડક પર કહ્યું હતું કે જો તમે તેને કેપ્ટન નથી બનાવ્યો તો પછી તમે તેને ટીમમાં કેમ રાખ્યો છે? તેનાથી સ્પષ્ટ છે કે તમે તેને ભવિષ્યનો ભાગ માનતા નથી, તે 2027 વર્લ્ડ કપમાં રમશે નહીં. આવી સ્થિતિમાં તમારે એવા ખેલાડીને ટીમમાં ન રાખવો જોઈએ જેને તમે 2027ની યોજનાનો ભાગ ન માનતા હોવ. પછી તે કેપ્ટન હોય કે ન હોય કે ખેલાડી હોય કે ન હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. તેથી મેં કહ્યું કે પસંદગીકારોએ રોહિત શર્મા સાથે ખુબ જ ઉતાવળ કરી છે અને તેની જરુર ન હતી.
કોહલી અને રોહિત પાસેથી અપેક્ષાઓ પર અગરકરે શું કહ્યું
ભારતના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું હતું કે રોહિત અને કોહલીની પસંદગી માત્ર એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેઓ આ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. જોકે તેમણે 2027ના વર્લ્ડ કપમાં પોતાની ભૂમિકા અંગે વાત કરવાનું ટાળ્યું હતું. વિરાટ અને રોહિત આ સમયે એક જ ફોર્મેટમાં રમી રહ્યા છે. અમે તેમની પસંદગી કરી છે, પરંતુ જ્યાં સુધી 2027 વર્લ્ડ કપની વાત છે, મને નથી લાગતું કે આપણે આજે તેના વિશે વાત કરવાની જરૂર છે. કેપ્ટન્સી બદલવા સાથે, સામાન્ય રીતે આ વિચાર હોય છે.
આ પણ વાંચો – વન ડે માં રોહિત શર્માને બદલે શુભમન ગિલને કેમ બનાવ્યો કેપ્ટન? અજીત અગરકરે કર્યો ખુલાસો
અગરકરે એમ પણ કહ્યું કે થોડા મહિના પહેલા જે નિયમ બનાવવામાં આવ્યો હતો કે ખેલાડીઓએ જ્યારે પણ ઉપલબ્ધ હોય ત્યારે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું રહેશે. તે રોહિત અને કોહલીને પણ લાગુ પડે છે. મને લાગે છે કે અમે થોડા વર્ષો પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે ખેલાડીઓએ જ્યારે પણ ઉપલબ્ધ હોય ત્યારે ઘરેલું ક્રિકેટ રમવું જોઈએ. જો તમને લાંબો બ્રેક મળ્યો છે, તો આ જ એકમાત્ર રસ્તો છે કે તમે તમારી જાતને ફિટ રાખી શકો છો અને ક્રિકેટ રમી શકો છો. તમે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છો તેમાં તે શક્ય છે કે નહીં તે તો સમય જ કહેશે, પણ જો ખેલાડીઓ ખાલી હોય તો તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ.