Team India New Captain : ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. ભારતીય ટીમનો હાલમાં જ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પરાજય થયો છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. રોહિત શર્માનું કેપ્ટન અને ખેલાડી તરીકે ખરાબ ફોર્મના કારણે તેના પર ટેસ્ટમાંથી બહાર થવાનો ખતરો છે. આગામી ફેબ્રુઆરીમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ભવિષ્ય નક્કી કરશે. રોહિત શર્મા કેપ્ટન તરીકે નહીં હોય તો ટીમમાં આ ખેલાડીઓ તેનું સ્થાન લેવા માટે દાવેદાર છે.
શુભમન ગિલ
રોહિત શર્મા પછી કેપ્ટન તરીકે શુભમન ગિલનું નામ સૌથી વધારે ચર્ચાય છે. શુભમન ગિલ યુવા છે. જોકે હાલ તે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીમાં અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરશે તો તે ભવિષ્યમાં ટીમનું નેતૃત્વ કરી શકે છે. રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધી કેપ્ટન તરીકે યથાવત્ છે.
જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહ હાલ ભારતનો સૌથી ચમકતો સિતારો છે. બુમરાહ પોતાની બોલિંગ વન-ડે હાલ ધમાલ મચાવી રહ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં બુમરાહે પ્રથમ ટેસ્ટમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી અને ટીમની જીત અપાવી હતી. જોકે પાંચમી ટેસ્ટમાં કેપ્ટન બન્યો હતો પણ પરાજય થયો હતો. રોહિત શર્મા પછી બુમરાહને કેપ્ટન તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જોકે તેનો એક જ માઇનસ પોઇન્ટ છે અને તે છે તેની ફિટનેસ. તેણે ઇજાને કારણે ઘણી વખત ટીમમાંથી બહાર બેસવું પડે છે.
આ પણ વાંચો – રોહિત શર્માની ટીકા કરવી કેટલી યોગ્ય છે? કેપ્ટન તરીકે આવો છે રેકોર્ડ
હાર્દિક પંડ્યા
વન-ડે ક્રિકેટમાં રોહિત શર્મા પછી હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે દાવેદાર છે. પંડ્યા વન ડે ટીમમાં તેની ઓલરાઉન્ડર ભૂમિકાને કારણે ટીમને સંતુલિત બનાવે છે અને તેની પાસે કેપ્ટનશિપનો અનુભવ પણ છે. 86 વનડેમાં હાર્દિક પંડ્યાએ 34ની એવરેજથી 1769 રન રન બનાવ્યા છે અને 35ની એવરેજથી 84 વિકેટ લીધી છે. તે હાલ આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ કરી રહ્યો છે. આ સિવાય તેણે બે વખત ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરી હતી અને એક વખત ટીમને ચેમ્પિયન બનાવી હતી અને એક વખત ટીમ રનર્સ અપ રહી હતી. જોકે સાતત્યનો અભાવ અને ઇજા તેને માટે માઇનસ પોઇન્ટ છે.
સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવ હાલ ભારતની ટી 20 ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. તેણે ટી 20માં પોતાની કેપ્ટનશિપ સાબિત કરી છે. જોકે તે જેટલો ટી 20માં હિટ રહ્યો છે તેટલો હજુ વન-ડેમાં સફળ થયો નથી. વન-ડેમાં હાલ તેનું ટીમમાં સ્થાન પણ નિશ્ચિત નથી. જોકે તેને તક આપવામાં આવે તો વન-ડેમાં પણ પોતાની નેતૃત્વ ક્ષમતા સાબિત કરી શકે છે. જોકે તે વન-ડેમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નથી. ટેસ્ટમાં તેને હાલ સ્થાન મળે તેવી સંભાવના ઓછી છે.