Team India Head Coach : ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની શોધ આ મહિનાના અંતમાં પૂરી થઈ શકે છે. કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર અને ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના કોચ તરીકેની જવાબદારી સંભાળશે. મીડિયા રિપોર્ટ જણાવે છે કે બીસીસીઆઇ ચાલુ મહિનાના અંતે ગંભીરની ટીમ ઈન્ડિયાના કોચ તરીકેની નિયુક્તિની સત્તાવાર જાહેરાત કરશે.
અહેવાલો અનુસાર ગંભીરે બીસીસીઆઈને પોતાનો સપોર્ટ સ્ટાફ લાવવાની માંગ કરી છે. હાલમાં વિક્રમ રાઠૌર ટીમ ઈન્ડિયાના બેટીંગ કોચ છે, જ્યારે બોલિંગ કોચ તરીકે પારસ મ્હામ્બ્રે જવાબદારી સંભાળી રહ્યા છે. ટી દિલીપ ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ તરીકે દ્રવિડના સપોર્ટ સ્ટાફનો ભાગ છે. જો ગંભીર કોચ બનશે તો આ તમામને પણ જવું પડી શકે છે.
ટી-20 વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થશે
ભારતીય ટીમના હાલના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ 2024 બાદ પુરો થઈ જશે. નવા કોચ માટે બીસીસીઆઇએ છેલ્લા કેટલાક સમયથી અરજીઓ મંગાવી હતી. આ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે રાહુલ દ્રવિડ આ પદ માટે ફરીથી અરજી નહીં કરે.
કેકેઆરના મેન્ટર છે ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો મેન્ટર છે. તે મેન્ટર બનતા જ ટીમ પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ પછી ગંભીરના ટીમ ઈન્ડિયાના કોચ બનવાના સમાચારે જોર પકડ્યું હતુ. ગંભીરે પોતે કહ્યું હતુ કે, તેના માટે ટીમ ઈન્ડિયાના કોચ બનવા કરતાં મોટું સન્માન બીજું કોઈ નથી. જો તેને તક મળે તો તે ટીમ ઇન્ડિયાના કોચ બનવાનું પસંદ કરશે.
ગંભીર અત્યાર સુધી ક્યારેય કોઈ ટીમનો હેડ કોચ બન્યો નથી. તે આઈપીએલમાં મેન્ટરની ભૂમિકામાં પણ જોવા મળ્યો હતો. તે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે હતો, જે 2022 થી 2023 સુધી નવી ટીમ તરીકે લીગમાં જોડાયો હતો, અને તેણે તેમને બેક-ટુ-બેક પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી હતી. ના, તે આ સિઝનમાં કેકેઆર સાથે જોડાયેલો હતો.