team india head coach : ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચ માટે જસ્ટિન લેંગર, સ્ટીફન ફ્લેમિંગ અને ગૌતમ ગંભીરની સાથે રિકી પોન્ટિંગનું નામ પણ ચર્ચામાં છે. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે ખુલાસો કર્યો છે કે આગામી મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડના સ્થાને તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે કહ્યું હતું કે જવાબદારી ઉઠાવવી અત્યારે તેમની જીવનશૈલી પ્રમાણે ફીટ બેસતી નથી.
ટી-20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. આ દરમિયાન ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હેડ કોચ એન્ડી ફ્લાવરે ખુલાસો કર્યો હતો કે તેમણે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની ભૂમિકા માટે અરજી કરી નથી અને કરશે પણ નહીં. ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે 2024 છે.
થોડી ઘણી વાતચીત થઈ હતી : રિકી પોન્ટિંગ
રિકી પોન્ટિંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) સાથેની વાતચીતમાં કહ્યું કે મેં તેના વિશે ઘણા સમાચાર જોયા છે. સામાન્ય રીતે તમે જાણો તે પહેલા જ આ વાતો સોશિયલ મીડિયા પર આવી જતી હોય છે. પરંતુ આઇપીએલ દરમિયાન કેટલીક આમને-સામને વાતચીત થતી હતી. જેથી ખબર પડે કે આ પોસ્ટમાં મને રસ છે કે નહીં.
મારી હાલની જીવનશૈલી મંજૂરી આપતી નથી – પોન્ટિંગ
રિકી પોન્ટિંગે કહ્યું કે મને રાષ્ટ્રીય ટીમના સિનિયર કોચ બનવું ગમશે, પરંતુ મારી પાસે જીવનમાં અન્ય બાબતો છે અને હું થોડો સમય ઘરે જ વિતાવવા માંગુ છું. બધા જાણે છે કે જો તમે ભારતીય ટીમની સાથે કામ કરશો તો આઇપીએલની કોઇ પણ ટીમમાં ન રહી શકો. આ સિવાય રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ હોવાનો અર્થ એ છે કે વર્ષના 10 કે 11 મહિનાની નોકરી કરવી. જોકે હું જેટલું કરવા માંગુ છું, તે અત્યારે મારી જીવનશૈલીમાં બંધ બેસતું નથી.
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું પ્રદર્શન, ફ્રેન્ચાઇઝીઓએ ખર્ચ્યા 131.95 કરોડ, ડૂબી ગયા 100 કરોડ
રિકી પોન્ટિંગે કહ્યું કે મારી સામે કેટલાક અન્ય નામ પણ આવ્યા છે. ગઈ કાલે જસ્ટિન લેંગરનું નામ ચર્ચામાં આવ્યું હતું, સ્ટીફન ફ્લેમિંગનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં ગૌતમ ગંભીરનું નામ પણ ઉછળ્યું હતું પરંતુ મને લાગે છે કે મારા બતાવેલા કારણોના કારણે તે શક્ય નહીં બને.
હું ફ્રેન્ચાઇઝી લીગનો આનંદ લઇ રહ્યો છું : એન્ડી ફ્લાવર
બીજી તરફ આઈપીએલ 2024 એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં એન્ડી ફ્લાવરે કહ્યું કે મેં અરજી કરી નથી અને હું ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની નોકરી માટે અરજી કરીશ નહીં. ફ્રેન્ચાઇઝી લીગમાં હાલ હું મારી જવાબદારીથી ખુશ છું. હું ખરેખર તેનો આનંદ માણી રહ્યો છું. તે એક રસપ્રદ બાબત છે. મેં કેટલીક અદ્ભત સંસ્થાઓ સાથે કામ કર્યું છે અને હાલ હું તેનાથી ખુશ છું.





