India vs South Africa Test series : સાઉથ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઋષભ પંતની ઈજા બાદ ટીમમાં વાપસી થઇ છે. તેને ફરી ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન બનવવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં આ જવાબદારી રવિન્દ્ર જાડેજાએ નિભાવી હતી. પંત સિવાય આકાશ દીપને પણ ફરી ટીમમાં સ્થાન મળ્યું છે.
ઇંગ્લેન્ડ પ્રવાસમાં પંતના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઋષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. ત્યારથી તે ટીમની બહાર હતો. હાલમાં જ તે દક્ષિણ આફ્રિકા-એ સામે ઈન્ડિયા-એ ની કેપ્ટનશિપ કરતા મેદાન પર પાછો ફર્યો હતો. જેમાં તેણે અડધી સદી પણ ફટકારી હતી. તેની કેપ્ટન્સી હેઠળની ઈન્ડિયા-એ નો પ્રથમ અનઓફિશિઅલ ટેસ્ટમાં વિજય થયો હતો.
આકાશદીપની વાત કરીએ તો તેને ફરી ટીમમાં સ્થાન મળ્યું છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ તે ટેસ્ટ ટીમમાંથી પણ બહાર થઈ ગયો હતો. પ્રસિદ્ધ ક્રિષ્ના વિન્ડિઝ શ્રેણીમાં ટીમનો ભાગ હતો પણ હવે તેને પડતો મૂકવામાં આવ્યો છે અને આકાશ દીપને ટીમમાં સામેલ કરાયો છે. એન જગદીશને ડેબ્યૂ માટે રાહ જોવી પડશે. ઋષભ પંતની વાપસી બાદ તે ટીમમાંથી બહાર થઈ ગયો છે.
ભારત વિ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી કાર્યક્રમ
- પ્રથમ ટેસ્ટ- 14-18 નવેમ્બર 2025, કોલકાતા
- બીજી ટેસ્ટ- 22-26 નવેમ્બર 2025, ગુવાહાટી
ટેસ્ટ શ્રેણી બાદ સાઉથ આફ્રિકાની ટીમ ભારતમાં ત્રણ વન ડે અને પાંચ મેચની ટી-20ની શ્રેણી પણ રમશે. આ માટે હજુ સુધી ટીમની જાહેર કરવામાં આવી નથી. ત્રણ વન ડે 30 નવેમ્બર, 3 ડિસેમ્બર અને 6 ડિસેમ્બરે રમાશે. આ સિવાય પાંચ મેચોની ટી-20 સિરીઝ 9 ડિસેમ્બર 2025થી 19 ડિસેમ્બર 2025 સુધી રમાશે.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યા નવી ગર્લફ્રેન્ડ સાથે રોમાંટિક થયો, કાર વોશ કરતા કરી કિસ, જુઓ વાયરલ વીડિયો
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.





