Usain Bolt : ફક્ત 9.58 સેકન્ડમાં 100 મીટરની રેસ પુરી કરનાર જમૈકાના ઉસૈન બોલ્ટના(Usain Bolt) બેંક ખાતામાંથી એક ઝટકામાં લગભગ 100 કરોડ રૂપિયા ઉડી ગયા છે. ફોચ્યૂન.કોમે બોલ્ટના વકીલના હવાલાથી લખ્યું કે ઉસૈન બોલ્ટના કિંગ્સ્ટન સ્થિત નિવેશ ફર્મ સ્ટોક્સ એન્ડ સિક્યોરિટીઝના ખાતામાંથી 12 મિલિયન ડોલર (લગભગ 976385856 ભારતીય રૂપિયા) ગાયબ થવાની જાણ થઇ છે. ખાતામાંથી આટલી મોટી રકમ ગાયબ થવા પર બોલ્ટ કોર્ટ જવાનું મન બનાવી રહ્યો છે.
બોલ્ટના વકીલ લિંટન પી ગોર્ડને કહ્યું કે બોલ્ટને હાલમાં જ જણાવવામાં આવ્યું કે તેના ખાતામાં લગભગ 12,000 (લગભગ 9,76,386 ભારતીય રૂપિયા)ડોલર વધ્યા છે. આ કોઇપણ માટે દુખદ ખબર છે અને નિશ્ચિત રુપથી બોલ્ટના મામલામાં, જેણે આ ખાતાને પોતાના અંગત પેન્શનના ભાગ રુપે ખોલ્યું હતું. બોલ્ટના ખાતાનો ઉદ્દેશ્ય તેના અને તેના માતા-પિતા માટે પેન્શનના રુપમાં ઉપયોગ કરવાનો હતો.
બોલ્ટના વકીલે કહ્યું- સુપ્રીમ કોર્ટમાં લઇ જવાની યોજના બનાવી રહ્યા છે
ગોર્ડને કહ્યું કે નિયામકોએ તેના કે બોલ્ટ સાથે અત્યાર સુધી કોઇ સંવાદ કર્યો નથી. જો ગાયબ થયેલા રૂપિયા 8 દિવસોની અંદર બોલ્ટના ખાતામાં ટ્રાન્સફર નહીં થાય તો તે આ મામલાને કિંગ્સ્ટનની સુપ્રીમ કોર્ટમાં લઇ જવાની યોજના બનાવી રહ્યા છે.
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કની ગર્લફ્રેન્ડે કરી પીટાઇ, Video વાયરલ
બોલ્ટના નામે 100 અને 200 મીટર દોડમાં વર્લ્ડ રેકોર્ડ
બોલ્ટના નામે સૌથી ઓછા સયમમાં 100 અને 200 મીટરની દોડ પુરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ છે. લગભગ એક દશક સુધી એથ્લેટિક્સની દુનિયા પર રાજ કર્યા પછી બોલ્ટે 2017માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ઓલિમ્પિક્સ ગેમ્સમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા
બોલ્ટે પોતાની કારકિર્દી દરમિયાન 3 ઓલિમ્પિક્સ ગેમ્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે કુલ 8 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા માટે બોલ્ટ ફક્ત 115 સેકન્ડ દોડ્યો છે. બોલ્ટે તેનાથી 119 મિલિયન ડોલર ( લગભગ 9850879143 ભારતીય રૂપિયા)ની ઇનામી રકમ જીતી હતી. એટલે કે દર સેકન્ડે લગભગ 8.6 કરોડ રૂપિયા કમાયો હતો.