અનમોલપ્રીત સિંહે 35 બોલમાં સદી ફટકારી યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો, 12 ફોર અને 9 સિક્સર ફટકારી

anmolpreet singh fastest century : વિજય હઝારે ટ્રોફીમાં અનમોલપ્રીતે 45 બોલમાં અણનમ 115 રન બનાવ્યા હતા. અનમોલપ્રીત સિંહ લિસ્ટ Aમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો

Written by Ashish Goyal
December 21, 2024 17:37 IST
અનમોલપ્રીત સિંહે 35 બોલમાં સદી ફટકારી યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો, 12 ફોર અને 9 સિક્સર ફટકારી
અરુણાચલ પ્રદેશ સામેની વન ડે મેચમાં અનમોલપ્રીત સિંહે માત્ર 35 બોલમાં સદી ફટકારી (તસવીર - સ્ક્રિનગ્રેબ)

anmolpreet singh fastest List A century by an Indian : પંજાબના બેટ્સમેન અનમોલપ્રીત સિંહે ભારતની સ્થાનિક લિસ્ટ-એ ક્રિકેટ ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો છે. શનિવારે અરુણાચલ પ્રદેશ સામેની વન ડે મેચમાં અનમોલપ્રીત સિંહે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. અનમોલપ્રીતે પૂર્વ ભારતીય બેટ્સમેન યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો છે. યુસુફ પઠાણે 2009માં મહારાષ્ટ્ર સામે રમાયેલી લિસ્ટ-એ ક્રિકેટ મેચમાં 40 બોલમાં સદી ફટકારી હતી.

લિસ્ટ-એ શ્રેણીની ક્રિકેટ મેચમાં ભારત માટે આ સૌથી ઝડપી સદી છે. સ્થાનિક ટૂર્નામેન્ટની મેચો જે 50-50 ઓવરની રમાય છે તેને લિસ્ટ-એ મેચ કહેવામાં આવે છે. અનમોલપ્રીતે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. અનમોલપ્રીત આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની જર્સીમાં પણ જોવા મળ્યો છે.

અનમોલપ્રીતની રેકોર્ડ સદી

અનમોલપ્રીત સિંહ લિસ્ટ Aમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. તેણે 35 બોલમાં સદી ફટકારી હતી. અનમોલપ્રીતે 45 બોલમાં અણનમ 115 રન બનાવ્યા હતા. તેણે 12 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. આ મેચમાં એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તૂટતો બચ્યો હતો. ડી વિલિયર્સે 31 બોલમાં સદી ફટકારી હતી.

આ પણ વાંચો – 26 ડિસેમ્બરે કેમ રમાય છે બોક્સિંગ ડે ટેસ્ટ, જાણો ઇતિહાસ અને ભારતનો રેકોર્ડ

કોના નામે છે લિસ્ટ Aમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ

લિસ્ટ Aમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ જેક ફ્રેઝર-મેકગર્કેના નામે છે. તેણે દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને તાસ્માનિયા વચ્ચે રમાયેલી મેચમાં 29 બોલમાં સદી ફટકારી હતી. આ પછી બીજા નંબરે દક્ષિણ આફ્રિકાનો ડી વિલિયર્સ છે. જેણે 31 બોલમાં સદી ફટકારી હતી. ત્રીજા નંબરે અનમોલપ્રીત સિંહ છે. જેણે 35 બોલમાં સદી ફટકારી છે. શાહિદ આફ્રિદીએ 37 બોલમાં સદી ફટકારી છે.

પંજાબે 12.5 ઓવરમાં પડકાર મેળવ્યો

પંજાબ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અરુણાચલ પ્રદેશની ટીમે 48.4 ઓવરમાં 164 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા આવેલી પંજાબની ટીમે અનમોલપ્રીતની શાનદાર સદીની મદદથી માત્ર 12.5 ઓવરમાં એક વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ