Virat Kohli-Anushka Sharma son Akaay : ભારતનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યો છે. અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા પોતાના પ્રશંસકો સાથે આ ખુશખબરી શેર કરી છે. કોહલીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેમના પુત્રનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો. કોહલીએ આ દરમિયાન પુત્રનું નામ પણ ચાહકો સાથે શેર કર્યું છે. કોહલીએ પોતાના પુત્રનું નામ ‘અકાય’ રાખ્યું છે.
આ પોસ્ટને વિરાટ કોહલીના ઇન્સ્ટા એકાઉન્ટની સાથે-સાથે અનુષ્કાના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 15 ફેબ્રુઆરીએ અમે અમારા પુત્ર અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. અમે અમારા જીવનના આ સુંદર સમયમાં તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાઇવેસીનું આદર કરો.
કોહલી ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણીમાં બ્રેક પર હતો
વિરાટ કોહલી આ અંગત કારણોસર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બ્રેક પર હતો. કોહલીએ અગાઉ પ્રથમ બે ટેસ્ટમાંથી બ્રેક માગ્યો હતો. આ પછી કોહલીએ બીસીસીઆઇને આખરી ત્રણ ટેસ્ટમાંથી પણ તેને આરામ આપવાની વિનંતી કરી હતી. આ જ કારણ છે કે કોહલી પહેલી વખત હોમગ્રાઉન્ડ પર આખી સિરીઝમાંથી બહાર થયો છે.
આ પણ વાંચો – આઈપીએલ 2024ની સિઝન 22 માર્ચથી શરૂ થશે, લોકસભાની ચૂંટણી વચ્ચે દેશમાં જ રમાશે મેચો
વિરાટ કોહલી 2021માં પહેલીવાર પિતા બન્યો હતો
વિરાટ કોહલીએ ડિસેમ્બર 2017માં અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્માએ 2018માં તેની ફિલ્મ ઝીરો રિલીઝ થયા બાદ એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. આ પછી જાન્યુઆરી 2021માં તેણે પુત્રી વામિકાને જન્મ આપ્યો. આ પછી અનુષ્કાએ કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. તે સ્પોર્ટ્સ ડ્રામા ચકદા એક્સપ્રેસથી વાપસી કરવા માટે તૈયાર છે. ફિલ્મની શૂટિંગ પુરી થઇ ગઇ છે પણ તેની રિલીઝ ડેટ સામે આવી નથી.
.





