Virat Kohli Ranji Trophy Live 2025: રણજી ટ્રોફીમાં 13 વર્ષ બાદ રમી રહેલ વિરાટ કોહલી શુક્રવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રેલ્વે સામેની લીગ-સ્ટેજની મેચના બીજા દિવસે માત્ર 6 પર ક્લીન બોલ્ડ થયો હતો. તેની રમત માત્ર 15 બોલમાં સમેટાઇ ગઇ હતી.
વિરાટ કોહલીને ઘર આંગણાની મેચમાં રમતો જોવા માટે પ્રશંસકો ઉત્સાહથી મેદાનમાં આવ્યા હતા. રણજી ટ્રોફીની મેચમાં આવા દ્રશ્યો પહેલી વખત જોવા મળ્યા હતા કે આખું સ્ટેડિયમ ચાહકોથી ખીચોખીચ ભરાયું હતું. પરંતુ વિરાટ કોહલીએ ચાહકોને નિરાશ કર્યા હતા. રેલ્વેના સીમર હિમાંશુ સાંગવાને વિરાટને ક્લીન બોલ્ડ કરતાં મેદાનમાં સન્નાટો છવાઇ ગયો હતો.
છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી ફોર્મ પરત મેળવવા માટે ઝઝૂમી રહ્યો છે. આજે પણ તે ફરી એકવાર નિષ્ફળ રહ્યો. સીમર હિમાંશું સાંગવાનની ઇનકમિંગ ડિલિવરીમાં કોહલીએ સ્વાઇપ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એ અસફળ રહ્યો અને ક્લીન બોલ્ડ થયો.
કોહલીની વિકેટે ટીમને દબાણ હેઠળ લાવી દીધી. દિલ્હીએ તેની આગલી ઓવરમાં ઓપનર સનત સાંગવાનને હિમાંશુ સામે ગુમાવ્યો હતો. 30 ઓવરના અંતે, દિલ્હીનો સ્કોર ચાર વિકેટે 103 રન હતો, જે રેલવેના પ્રથમ દાવના સ્કોરથી 141 રનથી પાછળ હતો.
નિરાશ ચાહકો કોટલાની બહાર નીકળ્યા
36 વર્ષીય કોહલીની વિકેટ પડતાં ચાહકોમાં ભારે નિરાશ ફેલાઇ ગઇ અને તેઓ મેદાન છોડી જવા લાગ્યા. એક તબક્કો એવો હતો કે વિરાટની રમત જોવા માટે મેદાનમાં આવવા માટે ગેટ બહાર પ્રશંસકોની ભીડ બેકાબૂ બની હતી જ્યાં આજે મેદાન બહાર જવા માટે ગેટ પાસે ચાહકોની ભીડ જોવા મળી.
નવેમ્બર 2012 પછી દિલ્હીની જર્સીમાં કોહલીની આ પહેલી રણજી મેચ હતી. કોહલી તેના વતનથી દૂર ગાઝિયાબાદમાં 2012-13 રણજી ટ્રોફીમાં એક મેચ રમ્યો હતો.
કોહલી અગાઉ નવેમ્બર 2006માં તમિલનાડુ સામે ડેબ્યૂ કર્યા બાદ પ્રીમિયર રેડ બોલ ટૂર્નામેન્ટમાં 23 મેચોમાં જોવા મળ્યો હતો . કોહલી ડેબ્યૂમાં તેની એકમાત્ર ઇનિંગ્સમાં 10 રનમાં આઉટ થયો હતો પરંતુ તેણે છ વર્ષમાં તેની આગામી 22 મેચોમાં પાંચ સદી અને વધુ અર્ધશતક બનાવ્યા હતા. કોહલીએ 36 ઇનિંગ્સમાં 50.77ની સરેરાશ સાથે 1574 રન બનાવ્યા છે.
કોહલીનો સૌથી વધુ રણજી સ્કોર પણ દિલ્હીમાં આવ્યો હતો, તેણે નવેમ્બર 2010માં ત્રીજા નંબરે બેટિંગ કરતા બંગાળ સામે 267 બોલમાં 173 રન બનાવ્યા હતા.





