Virat Kohli Income : વિરાટ કોહલી ક્રિકેટની દુનિયામાં કિંગ કોહલીના નામથી જાણીતો છે. કમાણીના મામલે તે કોઇ કિંગથી ઓછો નથી. રન મશીન વિરાટ કોહલીની નેટવર્થ હાલ 1000 કરોડ રૂપિયાથી વધુ છે અને તે જાહેરાતો અને સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણી કમાણી કરે છે. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી કોહલી હાલમાં વિશ્વના સૌથી લોકપ્રિય એથ્લીટ્સમાંથી એક છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 252 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
વિરાટ કોહલીની કુલ સંપત્તિ હાલ 1,050 કરોડ રૂપિયા
સ્ટોક ગ્રો ના જણાવ્યા પ્રમાણે વિરાટ કોહલીની કુલ સંપત્તિ હાલ 1,050 કરોડ રૂપિયા છે અને જે હાલમાં કોઇ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોમાં સૌથી વધુ છે. 34 વર્ષીય વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયા તરફથી એ પ્લસ ગ્રેડનો કોન્ટ્રાક્ટ છે, જેના કારણે તેને વાર્ષિક 7 કરોડ રુપિયાની કમાણી થાય છે. જ્યારે દરેક ટેસ્ટ મેચ માટે તેની ફી 15 લાખ રુપિયા છે. તેને વ નડે માટે 6 લાખ રૂપિયા અને ટી-20 મેચ માટે 3 લાખ રૂપિયા મળે છે. આ સિવાય વિરાટ કોહલી આઇપીએલથી વાર્ષિક 15 કરોડ રૂપિયાની કમાણી કરે છે. જે તેને આરસીબી દ્વારા આપવામાં આવે છે.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ લીક! જાણો ક્યારે રમાશે ભારતની મેચો
એક જાહેરાત માટે વર્ષે 7.5 કરોડથી 10 કરોડ રૂપિયા
આ બધા ઉપરાંત વિરાટ કોહલી ઘણી બ્રાન્ડનો પણ માલિક છે અને તેણે સાત સ્ટાર્ટ અપમાં પણ રોકાણ કર્યું છે. જેમાં બ્લૂ ટ્રાઇબ, યુનિવર્સલ સ્પોર્ટ્સબિઝ, એમપીએલ અને સ્પોર્ટ્સ કોન્વો સામેલ છે. કોહલી 18થી વધુ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે અને એક જાહેરાત માટે વર્ષે 7.5 કરોડથી 10 કરોડ રૂપિયા સુધીની રકમ મળે છે. જે બોલિવૂડના કોઈ પણ અભિનેતા કે કોઈ પણ ખેલાડી કરતાં ઘણી વધારે છે. આ બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટથી તે લગભગ 175 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8.9 કરોડ રૂપિયા મળે છે
વિરાટ કોહલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઘણો પ્રખ્યાત છે. તેને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8.9 કરોડ રૂપિયા જ્યારે એક ટ્વિટર પોસ્ટ માટે 2.5 કરોડ રૂપિયા મળે છે. કોહલી પાસે બે ઘર છે. જેમાં મુંબઈમાં આવેલા તેના ઘરની કિંમત 34 કરોડ રૂપિયા જ્યારે ગુરુગ્રામમાં આવેલા તેના ઘરની કિંમત 80 કરોડ રૂપિયા છે. તેની પાસે ઘણી લક્ઝરી કારો પણ છે જેની કિંમત 31 કરોડ રૂપિયા છે. વિરાટ કોહલી એફસી ગોવા ફૂટબોલ ક્લબનો માલિક છે, જે ઇન્ડિયન સુપર લીગમાં રમે છે. આ સિવાય તે એક ટેનિસ ટીમ અને એક પ્રો રેસલિંગ ટીમનો પણ માલિક છે.





