Virender Sehwag : વીરેન્દ્ર સેહવાગનું નામ આવતા જ ટીમ ઇન્ડિયાના પૂર્વ આક્રમક ખેલાડીનું નામ યાદ આવી જાય છે. જેની સામે દુનિયાના મોટો-મોટા બોલરો ધ્રુજતા હતા. સેહવાગે પોતાની ઇનિંગ્સથી ભારતને ઘણી મહત્વની મેચમાં જીત અપાવી હતી તો ઘણા પ્રસંગે નિરાશ કર્યા હતા. સેહવાગે ઘણા કોચના અંડરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં એક જોન રાઇટ પણ હતા. હવે સેહવાગે જોન રાઇટને લઇને એક મોટો ખુલાસો કર્યો છે અને જણાવ્યું કે એક વખત રાઇટે તેને કોલર પકડીને ખેચ્યો હતો.
જોન રાઇટે સેહવાગનો કોલર પકડીને ખેચ્યો
જોન રાઇટના કોચ દરમિયાન ભારતીય ટીમે ઘણા ઉતાર-ચડાવ જોયા હતા. ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર જોન રાઇટને એક શાનદાર કોચ માનવામાં આવતા હતા. એક વખત એવો સમય આવ્યો કે જ્યારે ગુસ્સામાં તેમણે વીરેન્દ્ર સેહવાગનો કોલર પકડી લીધો હતો અને જોરથી ખેચ્યો હતો. આ ઘટના વિશે સેહવાગે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન વાત કરી હતી.
સેહવાગ ઘણો નારાજ થઇ ગયો હતો
સેહવાગે કહ્યું કે 2004માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જોન રાઇટે તેનો કોલર પકડીને ખેચ્યો હતો. કારણ કે હું સસ્તામાં આઉટ થઇ ગયો હતો. તેમની આ હરકતથી હું ઘણો નારાજ થઇ ગયો હતો અને તે સમયે ટીમ ઇન્ડિયાના મેનેજર રહેલા રાજીવ શુક્લાને કહ્યું કે હાઉ કેન એ ગોરા હિટ મી. આ પછી અમૃત માથુર અને રાજીવ શુક્લા બન્નેએ મળીને જોન રાઇટ સાથે મામલો શાંત પાડ્યો હતો.
આ પણ વાંચો – વર્લ્ડકપમાં નંબર 4 અને નંબર 5 માટે આ ખેલાડીઓ છે દાવેદાર, જાણો વન ડેમાં કોના આંકડા છે શાનદાર?
તમને જણાવી દઇએ કે અમૃત માથુર ટીમ ઇન્ડિયાના જનરલ મેનેજર રહી ચુક્યા છે અને તેમણે માય લાઇફ ઇન ઇન્ડિયન ક્રિકેટ નામની એક બુક લખી છે અને સેહવાગ આ પુસ્તકના લોન્ચ પર બોલી રહ્યો હતો. 2004માં ભારતીય ટીમ ઇગ્લેન્ડ પ્રવાસમાં ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ગઇ હતી અને ટીમનો 1-2થી પરાજય થયો હતો. જોન રાઇટનો ભારતીય કોચ તરીકેનો કાર્યકાળ 2005માં ખતમ થઇ ગયો હતો અને પછી ગ્રેગ ચેપલને આ જવાબદારી આપવામાં આવી હતી.





