India vs Pakistan Score, ICC Women’s T20 World Cup 2024, મહિલા ટી-20 વર્લ્ડ કપ, ભારત વિ. પાકિસ્તાન : બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતની મહિલા ક્રિકેટ ટીમે આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 105 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ટી 20 વર્લ્ડ કપ 2024માં ભારતે પોતાની પ્રથમ જીત નોંધાવી છે. પ્રથમ મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો.
શેફાલી વર્મા અને હરમનપ્રીત કૌરની લડાયક બેટિંગ
સ્મૃતિ મંધાના 7 રન બનાવી જલ્દી આઉટ થઇ હતી. શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી નોંધાવી હતી. શેફાલી 32 અને જેમિમાહ 23 રન બનાવી આઉટ થઇ હતી. આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે 29 રન બનાવી ટીમને જીત અપાવી હતી. પાકિસ્તાન તરફથી ફાતિમા સનાએ 2 વિકેટ, જ્યારે સાદિયા ઇકબાલ અને ઓમાઇમા સોહેલે 1-1 વિકેટ ઝડપી હતી.
અરુંધતી રેડ્ડીએ 3 વિકેટ ઝડપી
પાકિસ્તાને ભારતને 106 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાન તરફથી નિદા ડારે સૌથી વધારે 28 રન બનાવ્યા હતા. મુનીબા અલીએ 17, સૈયદા અરુબ શાહે 14 અને કેપ્ટન ફાતિમા સનાએ 13 રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય એકપણ પ્લેયર ડબલ સ્કોર સુધી પહોંચી શકી ન હતી. ભારત તરફથી અરુંધતી રેડ્ડીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે શ્રેયંકા પાટીલે 2, આશા શોભના, દિપ્તી શર્મા અને રેણુકા સિંહે 1-1 વિકેટ લીધી હતી.
પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બન્ને ટીમમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – મહિલા ટી-20 વર્લ્ડ કપ : ઇનામી રકમથી લઇને ઐતિહાસિક ફેરફાર સુધી, આ છે ટૂર્નામેન્ટની ખાસ વાતો
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત મહિલા ક્રિકેટ ટીમ : સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, સંજના સજીવન, શ્રેયંકા પાટિલ, આશા શોભના, રેણુકા ઠાકુર સિંહ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ : મુનીબા અલી, ગુલ ફિરોઝા, સિદ્રા અમીન, નિદા દાર, આલિયા રિયાઝ, ઓમાઈમા સોહેલ, ફાતિમા સના (કેપ્ટન), તુબા હસન, નશરા સંધુ, અરુબ શાહ, સાદિયા ઈકબાલ





