Women’s World Cup 2025 : આઈસીસી મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025માં ભારતે શ્રીલંકા સામેની જીતથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય મહિલા ટીમે તેની બીજી મેચમાં પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું હતું. જોકે આ પછી ટીમ ઈન્ડિયાનો સતત બે મેચમાં પરાજય થયો હતો. સાઉથ આફ્રિકા સામે અને ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.
મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આગામી મેચ 19 ઓક્ટોબર 2025ને રવિવારે ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે રમાશે. ઈંગ્લેન્ડની ટીમ હાલમાં વિમેન્સ વર્લ્ડ કપ 2025ના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. તે 3 મેચ રમ્યું છે અને તે તમામ જીતી છે. ભારતીય ટીમ ચોથા ક્રમે છે. તે 4 મેચ રમ્યું છે અને તેના 4 પોઈન્ટ છે.
ભારત અને ઇંગ્લેન્ડની મેચ મહત્વની
વિમેન્સ વન ડે વર્લ્ડ કપ 2025ના પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબુત કરવા માટે ઈંગ્લેન્ડ સામેની ભારતની મેચ નિર્ણાયક છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મેચ ટૂર્નામેન્ટની સૌથી રોમાંચક મેચ માનવામાં આવે છે. આ મેચ ટૂર્નામેન્ટના નોકઆઉટ સમીકરણને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો – મહિલા વર્લ્ડ કપ 2025 માં ભારત આવી રીતે પહોંચી શકે છે સેમિ ફાઇનલમાં, જાણો આખું સમીકરણ
આ મહત્વની મેચ પહેલા ભારતીય મહિલા ટીમે મહાકાલના આશીર્વાદ લીધા. ભારતીય ટીમે 15 ઓક્ટોબરની વહેલી સવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. ખેલાડીઓ અને અન્ય સભ્યોએ ભગવાન શિવની પૂજા કરી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને ટીમની જીત માટે પ્રાર્થના કરી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ટીમના મહાકાલ દર્શનની તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો સતત ખેલાડીઓના આસ્થાની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું કે મને બાબાના આશીર્વાદ મળ્યા છે, હવે વિજય નિશ્ચિત છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આખી ટીમે આરતી બાદ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા અને મંદિરના પૂજારીઓના આશીર્વાદ લીધા હતા.