Women’s World Cup 2025 Semifinal Qualification Scenario, Points Table : મહિલા વર્લ્ડ કપ 2025માં રવિવારે ભારતનો ઇંગ્લેન્ડ સામે 4 રનથી પરાજય થયો હતો. આઇસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમનો આ સતત ત્રીજો પરાજય છે. ભારત સામેની જીત બાદ ઈંગ્લેન્ડે સેમિ ફાઈનલમાં ક્વોલિફાય કરી લીધું છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા પહેલાથી જ નોકઆઉટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે.
એટલે કે હવે એક સ્થાન માટે હવે ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન ટોપ ફોરમાં પ્રવેશવાની રેસમાં છે. ભારત સામે ચાર રનથી જીત મેળવતા ઈંગ્લેન્ડ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બાદ મહિલા વર્લ્ડ કપ 2025ની સેમિ ફાઈનલમાં પોતાનું સ્થાન બુક કરનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ટૂર્નામેન્ટમાં હવે આઠ લીગ મેચો બાકી છે, જેમાં પાંચ ટીમો અંતિમ સ્થાન માટે સ્પર્ધામાં છે. સેમિફાઇનલની રેસમાં સામેલ તમામ ટીમો માટેના દૃશ્યો નીચે મુજબ છે.
ભારત : મેચ – 5, જીત – 2, હાર – 3, પોઈન્ટ – 4, નેટ રન રેટ – 0.526
જો ભારત ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશને હરાવે તો તેઓ આઠ પોઈન્ટ સાથે સેમિ ફાઈનલમાં પ્રવેશી જશે. જોકે જો ભારત તેની આગામી બે માંથી માત્ર એક જ મેચ જીતશે તો તેમણે અન્ય ટીમોના પરીણામ પર પણ નજર રાખવી પડશે. જો ટૂર્નામેન્ટમાં ભારતની ત્રીજી જીત ન્યુઝીલેન્ડ સામે થશે તો તેણે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેનો નેટ રનરેટ બાંગ્લાદેશ કરતાં આગળ રહેવા માટે પૂરતો હોય. બાંગ્લાદેશ પાસે પણ શ્રીલંકા અને ભારતને હરાવીને ત્રણ મેચ જીતવાની તક છે.
ન્યૂઝીલેન્ડ સામે વરસાદ પણ ભારત માટે સારું પરિણામ સાબિત થઈ શકે છે, ભલે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે હારી જાય (અને ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ સામે હારી જાય), જોકે શરત એ છે કે શ્રીલંકા કે પાકિસ્તાનના ખાતામાં છ પોઈન્ટ ન હોય.
જો નવી મુંબઈમાં ભારતની બંને મેચો વરસાદના કારણે રદ થઇ જાય તો તેઓ સેમિ ફાઈનલમાં ક્વોલિફાય થઈ જશે. જો ઉપરોક્ત દૃશ્યમાં શ્રીલંકા અને પાકિસ્તાન ભારત સાથે છ પોઈન્ટના અંતરથી બરોબરી પર રહે તો નેટ રનરેટના સારા કારણે ભારત આગળ વધશે.
ન્યૂઝીલેન્ડ: મેચ – 5, જીત – 1, હાર – 2, પોઇન્ટ – 4, નેટ રનરેટ : -0.245
ન્યૂઝીલેન્ડની આગામી મેચ ભારત સામે તેમના માટે કરો યા મરો હશે. જો ન્યૂઝીલેન્ડ ભારત સામે હારશે તો તેમનું વર્લ્ડકપ અભિયાન પૂરું થઈ જશે. જો તેઓ આગામી બે મેચ જીતશે તો તેઓ સેમિ ફાઈનલમાં પ્રવેશી જશે.
જો ન્યૂઝીલેન્ડ ભારતને હરાવે પરંતુ ઇંગ્લેન્ડ સામે હારી જશે તો તેણે બાંગ્લાદેશ ભારતને હરાવે અને શ્રીલંકા સામે હારી જાય તેવી અપેક્ષા રાખવી પડશે. ઉપરોક્ત દૃશ્યમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ જાય તો પણ ન્યૂઝીલેન્ડ માટે પોઝિટિવ પરિણામ સાબિત થશે.
જો શ્રીલંકા બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવે તો તેના 6 પોઈન્ટ થઇ શકે છે, જ્યારે પાકિસ્તાન સાઉથ આફ્રિકા અને શ્રીલંકા બંનેને હરાવીને 6 પોઈન્ટ કરી શકે છે, પણ ન્યૂઝીલેન્ડનો નેટ રનરેટ વધુ સારો છે. જોકે જો બાંગ્લાદેશ શ્રીલંકાને હરાવશે તો ન્યૂઝીલેન્ડે આશા રાખવી પડશે કે નવી મુંબઈમાં રમાનારી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ જાય.
આ પણ વાંચો – શમી અને અગરકર વચ્ચે શાબ્દિક જંગ! ફિટનેસ પર બન્નેના અલગ-અલગ નિવેદન, કોણ સાચું, કોણ ખોટું?
જો ન્યૂઝીલેન્ડ ભારતને હરાવશે અને ઈંગ્લેન્ડ સામેની મેચ વરસાદમાં ધોવાઈ જાય તો તેઓ અન્ય પરિણામોને ધ્યાનમાં લીધા વિના સેમિ ફાઈનલમાં પ્રવેશી જશે. ભારત સામેની મેચ વરસાદમાં ધોવાઈ જવાથી ન્યુઝીલેન્ડને ફાયદો ત્યારે થશે જ્યારે તેઓ ઈંગ્લેન્ડને હરાવે.
બાંગ્લાદેશ : મેચ: 5, જીત-1, હાર-4, પોઈન્ટ-2, નેટ રનરેટ: -0.676
માત્ર એક મેચ જીતનારા બાંગ્લાદેશ પાસે હજુ સેમિ ફાઈનલમાં પ્રવેશવાની તક છે. બાંગ્લાદેશે તેની આગામી બે મેચ શ્રીલંકા અને ભારત સામે જીતવી પડશે. સાથે સાથે આશા રાખવી પડશે કે ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડને હરાવે . જો ન્યૂઝીલેન્ડ ભારતને હરાવીને 6 પોઈન્ટ મેળવે તો પણ બાંગ્લાદેશ વધુ જીતના આધારે આગળ વધશે. જો ભારત અને ન્યૂઝીલેન્ડ બંનેને 6-6 પોઈન્ટ મળશે તો બાંગ્લાદેશે તેની છેલ્લી બે મેચમાં મોટી જીત મેળવવી પડશે, કારણ કે તેમનો નેટ રનરેટ ભારત કરતા ઘણો ઓછો છે.
શ્રીલંકા અને પાકિસ્તાન : મેચ – 5, જીત – કોઈ નહીં, હાર – 3-3, પોઈન્ટ – 2, નેટ રનરેટ : અનુક્રમે -1.564 અને -1.887
હજુ સુધી કોઈ જીત ન મળી હોવા છતાં શ્રીલંકા અને પાકિસ્તાન બંને સેમિ ફાઈનલની રેસમાં યથાવત છે. શ્રીલંકાએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની બાકીની બે મેચ જીતવી પડશે અને આશા રાખવી પડે કે ભારત તેની બાકીની તમામ મેચો હારી જાય. આ ઉપરાંત ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડની હાર માટે પણ પ્રાર્થના કરવી પડશે.
આ સ્થિતિમાં શ્રીલંકા ન્યૂઝીલેન્ડ સાથે છ પોઈન્ટથી બરોબરી પર રહેશે, પણ જો તેઓ બાકીની મેચોમાં મોટો વિજય નહીં મેળવે તો નેટ રનરેટની દ્રષ્ટિએ તેઓ પાછળ રહી જશે. પાકિસ્તાન માટે પણ આવું જ છે. પાકિસ્તાને સાઉથ આફ્રિકા અને શ્રીલંકા સામેની છેલ્લી બે મેચ એટલા માર્જિનથી જીતવી પડશે કે તેમનો નેટ રનરેટ ન્યૂઝીલેન્ડ કરતાં આગળ છે.