ODI World Cup 2023 Prize Money : આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમિ ફાઇનલ અને ફાઇનલ લગભગ નજીક આવી ગઈ છે. ભારત, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ માટે સજ્જ છે. અહીં તમારે જે જાણવાની જરૂર છે તે બધું છે.
બુધવાર 15 નવેમ્બર: સેમિ ફાઇનલ 1: ભારત વિ. ન્યૂઝીલેન્ડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચ રમાશે. 2019ના વર્લ્ડકપની સેમિ ફાઇનલનું પુનરાવર્તન થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈને ક્રિકેટની રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. વાનખેડેએ છેલ્લે 2011માં ભારતમાં યોજાયેલા મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલની યજમાની કરી હતી. અહીંની લાલ-માટીની પિચ નિઃશંકપણે પોતાની ભૂમિકા ભજવશે.
ગુરુવાર 16 નવેમ્બર: સેમિ ફાઇનલ 2: દક્ષિણ આફ્રિકા વિ. ઓસ્ટ્રેલિયા
કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા આમને-સામને ટકરાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નવીનીકરણ પહેલા ઈડન ગાર્ડન 68,000ની ક્ષમતા સાથે ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હતું. વર્લ્ડ કપ 2023માં 28 ઓક્ટોબર સુધી આ મેદાન પર એક પણ મેચ રમાઈ ન હતી. આ મેદાન હુગલી નદીની બાજુમાં તેની જીવંત પીચ અને તેજ હવાઓ માટે જાણીતું છે.
રવિવાર 19 નવેમ્બર: વર્લ્ડ કપ 2023ની ફાઇનલ
બંને સેમિ ફાઈનલના વિજેતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ફાઇનલમાં ટકરાશે. વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરના રોજ આ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેદાન પર 14 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો હતો. હવે આ મેદાન પર ટૂર્નામેન્ટની ફાઇનલ યોજાવાની છે. 1,32,000ની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમનું રિડેવલપમેન્ટ 2021માં પૂર્ણ થયું હતું. આ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ ઉપરાંત છેલ્લી બે આઇપીએલ ફાઈનલની યજમાની પણ થઈ ચૂકી છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : નોકઆઉટમાં ભારતના ખરાબ પ્રદર્શનની વાત ખોટી, 52% થી વધુ છે સક્સેસ રેટ
ટીમો કેવી રીતે થઇ ક્વોલિફાય
-ભારતે ગ્રુપ સ્ટેજમાં તેની તમામ નવ મેચ જીતી મહત્તમ 18 પોઈન્ટ્સ સાથે ટોચનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ગ્રુપ સ્ટેજમાં ભારતનો નેટ રનરેટ 2.570નો રહ્યો હતો.
-સાઉથ આફ્રિકા 9માંથી 7 મેચ જીતીને ક્વોલિફાય થનારી બીજી ટીમ બની હતી. તેના માટે નેધરલેન્ડ સામે શરુઆતની હાર આંચકા સમાન હતી. આ પછી તેમને ભારત સામે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા પહેલેથી જ ક્વોલિફાય થઈ ચુક્યાં હતાં.
-ઓસ્ટ્રેલિયા તેની શરુઆતની મેચોમાં ભારત અને સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ પુનરાગમન કરતાં બાકીની સાત મેચમાં વિજય મેળવ્યો હતો અને 14 પોઈન્ટ્સ સાથે ક્વોલિફાય કર્યું હતું.
-ન્યૂઝીલેન્ડ નોકઆઉટમાં ક્વોલિફાય થનારી આખરી ટીમ હતી. શ્રીલંકા સામેની જીત અને ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની હાર બાદ કિવી ટીમ ચોથા ક્રમે રહી હતી. મજબુત શરુઆત બાદ ન્યૂઝીલેન્ડ સતત ચાર હારને કારણે માત્ર 10 જ પોઈન્ટ મેળવી શક્યું હતું.
12 વર્ષના દુષ્કાળનો અંત લાવવા પર ભારતનું ધ્યાન
-યજમાન ભારતની નજર 12 વર્ષ પછી આઇસીસીની વર્લ્ડ કપ જેવી મેજર ટૂર્નામેન્ટ જીતવા તરફ છે. ઘરેલું ધરતી પર પ્રશંસકોનો સાથ મળશે. જેવો સાથ 2011માં મળ્યો હતો અને ભારત ચેમ્પિયન બન્યું હતું.
-સાઉથ આફ્રિકાની મેન્સ ક્રિકેટ ટીમને પહેલી વખત વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. તેમની મહિલા ટીમે આ વર્ષની શરૂઆતમાં જ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
-આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા સૌથી સફળ દેશ છે. જો તે ભારતમાં ચેમ્પિયન બનશે તો તેના વર્લ્ડ કપ ટાઈટલની સંખ્યા 6 થઈ જશે.
-ન્યૂઝીલેન્ડ સતત 5 આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પહોંચ્યું હતું. પરંતુ છેલ્લી બે સિઝનમાં તે તે ફાઇનલમાં હારી ગયું હતું.
રિઝર્વ ડે
જો હવામાનને કારણે મેચના દિવસે પરિણામ ના આવ્યું તો રિઝર્વ ડેનો ઉપયોગ સેમિ ફાઈનલ અને ફાઈનલ બંનેમાં કરવામાં આવશે.
ઇનામી રકમ
આ ટૂર્નામેન્ટ માટે પ્રાઇઝ મની કુલ મળીને 10 મિલિયન અમેરિકન ડોલર (આશરે 74 કરોડ ભારતીય રુપિયા)ની જાહેરાત કરવામાં આવી છે. ટૂર્નામેન્ટના વિજેતાને 4 મિલિયન અમેરિકન ડોલર (લગભગ 33 કરોડ રૂપિયા) મળશે. જ્યારે રનર્સ અપને 2 લાખ અમેરિકન ડોલર (લગભગ 17 કરોડ રૂપિયા) મળશે.
લાઇવ સ્ટ્રીમિંગ
આઈસીસી વર્લ્ડ કપ 2023 નોકઆઉટ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર એપ્લિકેશન અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ડિઝની+ હોટસ્ટાર એપ્લિકેશન અને વેબસાઇટ પર મેચોને મફતમાં લાઇવસ્ટ્રીમ કરી શકાય છે.





