AUS vs SL : ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપની 14મી મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે ઘણી વખત મેચ બંધ રાખવી પડી હતી. ક્યારેક વરસાદના કારણે તો ક્યારેક ભારે પવનના કારણે ખેલાડીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક મોટું હોર્ડિંગ હવામાં ઉડીને દર્શકોની વચ્ચે પડતાં સ્ટેડિયમમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
મેદાનમાં જોરદાર પવનથી હોર્ડિંગ્સ ઉડી ગયા
ભારે પવનના કારણે સ્ટેડિયમની અંદર લગાવેલા હોર્ડિંગ્સ ઉખડી ગયા હતા. આ પછી દર્શકો સલામત સ્થળ તરફ જવા લાગ્યા હતા. હોર્ડિંગ પડી ગયા બાદ રમત થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ ભારે પવનથી પરેશાન દેખાયા હતા. આ સમયે સ્ટેડિયમમાં સુરક્ષા સંબંધિત જાહેરાત પણ કરવામાં આવી હતી. નીચે સ્ટેન્ડમાં બેઠેલા દર્શકોને ઉપરના માળે જવાની સલાહ આપવામાં આવી હતી. પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કે ફિલ્ડ અમ્પાયરની સલાહ લીધા બાદ મેદાન ખાલી કરવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી રમત અટકી પડી હતી. જોકે થોડા સમયના વિક્ષેપ બાદ મેચ ફરી શરૂ થઈ હતી.
આ પણ વાંચો – બાબરની ટીમનો ફિટનેસ ટેસ્ટ થતો નથી, ભારત સામે પાકિસ્તાનની હાર બાદ અનુભવી ખેલાડીએ કર્યો ખુલાસો
વરસાદે બે વખત રમત અટકાવી
એકાના સ્ટેડિયમની રમત માત્ર ભારે પવનને કારણે જ નહીં પરંતુ વરસાદને કારણે પણ બે વખત બંધ કરવામાં આવી હતી. શ્રીલંકાના દાવ દરમિયાન પ્રથમ વખત વરસાદ પડ્યો હતો. તે સમય શ્રીલંકાનો સ્કોર 178/4 હતો. વરસાદના કારણે લગભગ અડધો કલાક મેચ બંધ રાખવામાં આવી હતી. આ પછી વરસાદે ફરીથી મેચમાં વિક્ષેપ પાડ્યો જ્યારે શ્રીલંકાની ઇનિંગ્સ પૂરી થઈ અને ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવા ઉતરવું પડ્યું. વોર્નર અને માર્શ મેદાન પર આવવા માટે તૈયાર હતા, પરંતુ વરસાદે ફરી રમત અટકાવી દીધી. તે સમયે રમત 10-15 મિનિટ પછી શરૂ થઈ હતી.
ઓસ્ટ્રેલિયાનો 5 વિકેટે વિજય
વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાએ પોતાનો પ્રથમ વિજય મેળવ્યો છે. એડમ ઝમ્પા (4 વિકેટ)ની શાનદાર બોલિંગ પછી જોશ ઇંગ્લિશના 58 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાની ટીમ 43.3 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 35.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી મેળવી લીધી હતી.





