World Cup 2023 : આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમમાં ખેલાડીઓની ઈજા ફરી ચિંતાનો વિષય બની છે. એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો ઓલરાઉન્ડર અક્ષર પટેલ હજુ અનફિટ છે, તેમ છતાં તેને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડેની શ્રેણી માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે ટીમ મેનેજમેન્ટને આશા છે કે અક્ષર સમયસર ફિટ થઈ જશે, પરંતુ જો આમ નહીં થાય તો તેણે વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થઇ શકે છે.
અક્ષર પટેલ પાસે 28 સપ્ટેમ્બર સુધીની તક
આઇસીસીએ વર્લ્ડકપની ટીમમાં ફેરફાર કરવાની આખરી તારીખ 28મી સપ્ટેમ્બર નક્કી કરી છે. આવી સ્થિતિમાં જે પણ ટીમ તેમની વર્લ્ડ કપ ટીમમાં ફેરફાર કરવા માંગે છે તે 28 પહેલા કરી શકે છે. ત્યાર બાદ ટીમમાં ફેરફારને મંજૂરી નહીં મળે. આવી સ્થિતિમાં અક્ષર પટેલ પાસે 28 સપ્ટેમ્બર સુધીમાં ફિટ થવાની તક છે, જો તે આ તારીખ સુધીમાં ફિટ નહીં થાય તો તે વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થઇ જશે અને તેના સ્થાને અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવશે.
આ પણ વાંચો – ભારતને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાની જવાબદારી આ 15 ખેલાડીઓ પર રહેશે, જાણો કેવો છે તેમનો વન-ડેમાં રેકોર્ડ
વોશિંગ્ટન સુંદર અને અશ્વિનમાંથી રહેશે એક વિકલ્પ
અક્ષર પટેલને બાંગ્લાદેશ સામે એશિયા કપ દરમિયાન સુપર 4 રાઉન્ડની છેલ્લી મેચમાં ઈજા થઈ હતી. એશિયા કપની ફાઈનલમાં અક્ષરને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો અને તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને બેંગલુરુથી રાતોરાત કોલંબો બોલાવવામાં આવ્યો હતો. વોશિંગ્ટન સુંદર પ્લેઇંગ ઇલેવનનો ભાગ પણ બન્યો હતો. આવી સ્થિતિમાં અક્ષરનો એક વિકલ્પ વોશિંગ્ટન સુંદર છે, જ્યારે બીજો વિકલ્પ ઓફ સ્પિનર આર અશ્વિન છે. અશ્વિનની પસંદગી ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં કરવામાં આવી છે. ચીફ સિલેક્ટર અજિત અગરકરે અશ્વિન વિકલ્પ હોવાના સંકેત આપ્યા હતા.
વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, જસપ્રીસ બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ





