PM Narendra Modi indian Cricket Team Dressing Room : 19 નવેમ્બરને રવિવારના રોજ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય પછી ભારતીય ડ્રેસિંગ રૂમમાં નિરાશાનો માહોલ હતો. આ મુશ્કેલ સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિત ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સાંત્વના આપવા અને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા. તેમણે ખેલાડીઓને દિલ્હી આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આ મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે.
ભારતીય ટીમે વર્લ્ડ કપમાં 10 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જીતની સફર ઓસ્ટ્રેલિયાને હરાવીને શરૂ કરી હતી, પરંતુ ફાઇનલમાં કાંગારૂઓ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ડ્રેસિંગ રૂમમાં જતી વખતે ખેલાડીઓના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે તેઓ કેટલા ભાવુક છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદી તેમને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમમાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ દરેક ખેલાડી સાથે વાત કરી
વાતચીતમાં હાજર લોકોએ જણાવ્યું કે ભારતીય ટીમને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ દરેક ખેલાડી સાથે વાત કરી. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર મોહમ્મદ શમીએ વડા પ્રધાનના ખભા પર માથું મુકેલી એક તસવીર ટ્વિટ કરી હતી. આ વર્લ્ડ કપમાં તેણે 24 વિકેટ લીધી હતી. આ સિવાય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ફોટો શેર કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ ખેલાડીઓને શું કહ્યું?
વડાપ્રધાન મોદીનો ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે વાત કરતો વીડિયો સામે આવ્યો છે. આમાં તે રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે વાત કરતા જોઈ શકાય છે. રોહિત અને કોહલીનો હાથ પકડીને પીએમ મોદીએ કહ્યું કે તમે લોકો આખી 10-10 મેચ જીતીને આવ્યા છો. આવું તો ચાલતું રહે છે. મુસ્કુરાઈએ ભાઈ દેશ તમને જોઈ રહ્યો છે. આ પછી તેમણે કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરી અને તેની પીઠ થપથપાવી. તેમને કહ્યું કે તમે સખત મહેનત કરી છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ ફાઇનલ : દ્રવિડ ન જોઈ શક્યા ખેલાડીઓનું દુ:ખ, મેચ પછી જણાવી ડ્રેસિંગ રૂમની કહાની
પીએમએ રવિન્દ્ર જાડેજા સાથે ગુજરાતીમાં વાત કરી
આ પછી પીએમએ રવિન્દ્ર જાડેજા સાથે ગુજરાતીમાં વાત કરી હતી. PM મોદીએ રવીન્દ્ર જાડેજાને મળતા કહ્યું કે, ‘કાં બાપુ, ઢીલો ના પડતો’. આ પછી PM મોદીએ મોહમ્મદ શમીને ગળે લગાવીને કહ્યું હતું કે આ વખતે ઘણું સારું કર્યું છે. જસપ્રીત બૂમરાહને મળીને કહ્યું કે તું તો ગુજરાતી બોલતો હોઈશ ને? જેના પર જસપ્રીતે કહ્યું કે હા થોડું થોડું. જે પછી PM મોદીએ હસતાં હસતાં કહ્યું કે તારું તો ઘર છે આ.
કોચ દ્રવિડે ટીમ સાથે વાત કરી હતી
બીજી ઈનિંગ્સ દરમિયાન વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચે તે પહેલા કોચ દ્રવિડે ટીમ સાથે વાત કરી હતી. દ્રવિડે ખેલાડીઓને આગળ વધવાની અને સકારાત્મક રહેવાની સલાહ આપી હતી.





