India Pakistan Match : વન-ડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સદી ફટકારવાનું ચૂકી ગયો હતો. આ મેચમાં રોહિત શર્માએ 63 બોલમાં 6 સિક્સર અને 6 ફોરની મદદથી 86 રનની ઇનિંગ રમી હતી અને શાહીન આફ્રિદીના બોલ પર કેચ આઉટ થયો હતો. રોહિત આ મેચમાં માત્ર 14 રનથી પોતાની સદી ચૂકી ગયો, પરંતુ તેણે ક્રિસ ગેલ, વિરાટ કોહલી અને એમએસ ધોનીના રેકોર્ડ તોડી નાખ્યો છે.
રોહિત શર્માએ ધોનીનો રેકોર્ડ તોડ્યો
પાકિસ્તાન સામેની આ મેચમાં હિટમેને તેની ઇનિંગમાં 6 સિક્સર ફટકારી હતી અને તે હવે પાકિસ્તાન સામે ભારતીય કેપ્ટન તરીકે ODIમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. આ સાથે તેણે એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે, જેણે ભારતીય કેપ્ટન તરીકે પાકિસ્તાન સામે કુલ 15 સિક્સર ફટકારી હતી. આ મેચ બાદ રોહિત શર્માએ હવે કુલ 17 સિક્સર ફટકારી છે અને ધોનીને પાછળ છોડી દીધો છે.
પાકિસ્તાન સામે સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય કેપ્ટન
17 – રોહિત શર્મા 15 – એમએસ ધોની 10 – મોહમ્મદ. અઝહરુદ્દીન 7 – સૌરવ ગાંગુલી 6 – સચિન તેંડુલકર
આ પણ વાંચો – અમદાવાદમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, વન-ડે વર્લ્ડ કપમાં ભારત – 8, પાકિસ્તાન – 0
રોહિત શર્મા ક્રિસ ગેલ અને વિરાટ કોહલીથી આગળ
રોહિત શર્મા વનડે વર્લ્ડ કપમાં રનના મામલામાં ક્રિસ ગેલ અને વિરાટ કોહલીને પાછળ છોડીને સાતમાં સ્થાને આવી ગયો છે. રોહિતના નામે ODI વર્લ્ડ કપમાં કુલ 1195 રન છે, જ્યારે ગેલ અને કોહલીના નામે 1186 રન છે. આ સાથે જ તે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. સચિન તેંડુલકર 2278 રન સાથે નંબર વન પર છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ રન
2278 રન – સચિન તેંડુલકર 1743 રન – રિકી પોન્ટિંગ 1552 રન – કુમાર સંગાકારા 1225 રન – બ્રાયન લારા 1207 રન – એબી ડી વિલિયર્સ 1201 રન – શાકિબ અલ હસન 1195 રન – રોહિત શર્મા 1186 રન – ક્રિસ ગેલ 1186 રન – વિરાટ કોહલી