વર્લ્ડ કપ 2023 : ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર, શું ટીમ ઈન્ડિયા 20 વર્ષ જૂનો બદલો લઈ શકશે?

India-Australia Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે રમાનારી વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતનો મુકાબલો પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે

Written by Ashish Goyal
Updated : November 16, 2023 23:23 IST
વર્લ્ડ કપ 2023 : ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર, શું ટીમ ઈન્ડિયા 20 વર્ષ જૂનો બદલો લઈ શકશે?
ભારતીય ક્રિકેટ ટીમ (તસવીર - બીસીસીઆઈ)

World Cup 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે રમાનારી વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતનો મુકાબલો પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે કાંગારુ ટીમે બીજી સેમિ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.

ભારતીય ટીમ ચોથી વખત વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે જ્યારે કાંગારુની ટીમે આઠમી વખત ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ મેળવી છે. હવે બંને ટીમો વચ્ચે આગામી વર્લ્ડ ચેમ્પિયન બનવાની સ્પર્ધા જામશે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એક વખત ચોકર સાબિત થઈ હતી અને વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશી શકી ન હતી.

ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે

વન ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં આ બીજી વખત બનશે જ્યારે ભારતીય ટીમ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. અગાઉ વર્ષ 2003માં બંને ટીમો આમને-સામને ટકરાઇ હતી અને તે મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડયો હતો. ટીમ ઇન્ડિયા પાસે હવે ઓસ્ટ્રેલિયા તરફથી મળેલી હારનો બદલો લેવાની શાનદાર તક છે અને 20 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા પાસે કાંગારુ ટીમને વર્લ્ડ કપ ફાઇનલમાં હરાવવાની સારી તક છે. ભારતીય ટીમને 2003માં ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 125 રનથી પરાજય આપ્યો હતો.

આ પણ વાંચો – વર્લ્ડ કપ ફાઇનલની તૈયારીઓ શરૂ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે એર શો

વર્લ્ડ કપની ફાઇનલમાં બંને ટીમોનું પ્રદર્શન

ભારતીય ટીમની વાત કરવામાં આવે તો તે ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. જેમાંથી છેલ્લી ત્રણ ફાઇનલમાં આ ટીમ બે વખત ચેમ્પિયન બની છે જ્યારે એક વખત પરાજય થયો છે. ભારતીય ટીમ 1983માં પહેલીવાર ફાઇનલમાં પહોંચી અને ચેમ્પિયન બની હતી. જ્યારે બીજી વખત આ ટીમ 2003માં ફાઇનલમાં પહોંચી પરંતુ ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. આ પછી ટીમ ઈન્ડિયા 2011માં ફાઈનલમાં પ્રવેશી હતી અને તેણે બીજી વખત ચેમ્પિયન બની હતી હવે ટીમ ઈન્ડિયા પાસે ત્રીજી વખત ચેમ્પિયન બનવાની તક છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ આઠમી વખત ફાઇનલમાં પહોંચી છે અને છેલ્લી 7 ફાઇનલની વાત કરીએ તો આ ટીમ 5 વખત ચેમ્પિયન બની હતી જ્યારે બે વખત રનર અપ રહી હતી. ઓસ્ટ્રેલિયા 1987, 1999, 2003, 2007 અને 2015માં વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી. જ્યારે 1975 અને 1996માં ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કાંગારુ ટીમને ફરી એકવાર રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ