World Cup 2023 IND vs PAK Tickets: આઈસીસી વર્લ્ડ કપ 2023ની ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ચાહકોમાં હંમેશા અલગ જ જુસ્સો હોય છે.
આ વખતે ભારતમાં વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે. દરેક ભારતીય ચાહક પાકિસ્તાન સામે સ્ટેડિયમમાં ત્રિરંગો ફરકાવવા ઈચ્છે છે. કદાચ આ જ કારણ છે કે ભારત-પાકિસ્તાનની મેચને લઈને પ્રશંસકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટોની પ્રથમ બેચ એક કલાકમાં જ વેચાઈ ગઈ હતી.
બીજો સ્લોટ 3 સપ્ટેમ્બરે વેચાણ માટે શરૂ થશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ટિકિટિંગ પાર્ટનર બુકમાયશોએ (BookMyShow) ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટો ઓનલાઇન વેચાણ માટે મુકી હતી. ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટોનો બીજો સ્લોટ 3 સપ્ટેમ્બરે વેચાણ માટે શરૂ થશે. તેમાં પણ સંભાવનાઓ છે કે આ ટિકિટો થોડા કલાકોમાં જ વેચાઈ જશે.
ભારતની મેચો અને પ્રેક્ટિસ મેચોના ઓનલાઇન વેચાણ માટે કેટલી ટિકિટો મૂકવામાં આવી હતી તેની પુષ્ટિ થઈ શકી નથી પરંતુ જાણવા મળ્યું છે કે 29 ઓગસ્ટ 2023ના રોજ ભારતીય સમયાનુસાર સાંજે 6 વાગ્યે વેચાણ શરૂ થયું હતું અને એક કલાકમાં જ તમામ ટિકિટો વેચાઇ ગઈ હતી.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ સેરેમની 4 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે!
ટિકિટો ફક્ત માસ્ટરકાર્ડ ધારકો માટે જ વેચવામાં આવી હતી
29 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો ફક્ત માસ્ટરકાર્ડ ધરાવતા ચાહકો માટે વેચવામાં આવી હતી. એક વ્યક્તિ માત્ર બે જ ટિકિટ ખરીદી શકતો હતો અને વેચાણ શરૂ થયાના એક કલાકમાં જ ભારત-પાકિસ્તાનની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. ટિકિટના વેચાણનો આગામી રાઉન્ડ 3 સપ્ટેમ્બરના રોજ યોજાય તેવી સંભાવના છે.
BookMyShow ની સોશિયલ મીડિયા પર થઇ ટીકા
આ દરમિયાન ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર આઇસીસીના ટિકિટિંગ પાર્ટનર BookMyShow ની નબળી સેવા બદલ ટીકા કરી હતી. અહેવાલો અનુસાર ટિકિટનું વેચાણ લાઇવ થયાની થોડી જ મિનિટોમાં BookMyShow ની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી. આ પછી પણ ચાહકોને વર્ચ્યુઅલ કતારોમાં જોડાયેલા બતાવવામાં આવ્યા હતા. બુકમાયશો (BookMyShow)વેબસાઇટે ચાહકોને 6 કલાકથી વધુ સમય સુધી ધીરજપૂર્વક રાહ જોવાનું કહ્યું હતું, જ્યારે તમામ ટિકિટો માત્ર એક કલાકમાં વેચાઇ ગઇ હતી.





