World Cup 2023 : ભારતીય ક્રિકેટ ટીમ વન ડે વર્લ્ડકપ 2023ના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરથી કરશે. ભારતીય ટીમ આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમશે. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની પણ આ પહેલી લીગ મેચ રહેશે. પરંતુ આ મેચ પહેલા કાંગારુ ટીમને મોટો ઝટકો લાગ્યો છે જેના કારણે આ ટીમની મુશ્કેલી વધી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટીમનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ ભારત સામેની આ મેચમાંથી બહાર થઇ શકે છે.
સ્ટોઇનિસ ઇજાગ્રસ્ત
પાંચ વખતની વન-ડે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને વન-ડે વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ ભારત સામે રમવાની છે અને આ મેચમાં ટીમનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ શકે છે. ફોક્સ ક્રિકેટના મતે સ્ટોઈનિસને ઈજા થઈ છે અને આ કારણે તે આ મેચમાં રમી શકશે નહીં. સ્ટોઈનિસ ફાસ્ટ બોલિંગની સાથે-સાથે આક્રમક રીતે રન ફટકારવા માટે પણ પ્રખ્યાત છે. તે લોઅર ઓર્ડરમાં અત્યંત ઉપયોગી બેટ્સમેન છે. ભારતીય ટીમ સામે આ બેટિંગ ઓલરાઉન્ડરની ગેરહાજરી પેટ કમિન્સ માટે મોટી સમસ્યા બની શકે છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : ભાજપે અમદાવાદમાં મહિલાઓને 40 હજાર મફત ટિકિટ આપી, પૈસા ક્યાંથી આવ્યા તે અંગે પ્રવક્તાએ જવાબ ના આપ્યો
ભારતની મેચો
ભારત પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે ટીમ બીજી મેચ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે રમાશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટની ત્રીજી લીગ મેચ 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. ચોથી મેચ 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે, પાંચમી મેચ 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે. રોહિત શર્માની ટીમ 29 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. સાતમી લીગ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ 2 નવેમ્બરે શ્રીલંકા સામે અને આઠમી મેચમાં 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારતીય ટીમ આખરી લીગ મેચ 12મી નવેમ્બરે નેધરલેન્ડ સામે રમશે, જે દિવસે દિવાળી છે.
ફાઇનલ અમદાવાદમાં રમાશે
આ ટૂર્નામેન્ટની ફાઇનલ પણ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે, જ્યારે પહેલી અને બીજી સેમિફાઇનલ અનુક્રમે 15 નવેમ્બરે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ અને 16 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાશે. સેમિ ફાઇનલ અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે પણ છે.





