World Cup 2023 : વર્ષ 2023ની વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ વિવાદોથી અછૂત રહી નથી. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં પ્રશંસકોની ખાસ ભીડ જોવા મળી ન હતી. જોકે સાંજ સુધીમાં લગભગ 47,000 પ્રેક્ષકો મેચ જોવા માટે આવ્યા હતા. આ વર્લ્ડ કપમાં સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. જોકે ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું. રેકોર્ડ એક લાખ દર્શકોએ મેચ નિહાળી હતી.
હાલમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઈનલ માટે ઉપયોગ કરવામાં આવેલી પિચને લઈને હોબાળો મચી ગયો હતો. કહેવામાં આવ્યું કે યજમાન ટીમે આઇસીસીની મંજૂરી વિના જ પિચ બદલી નાંખી હતી. આ ભારત અને બીસીસીઆઈ પર લગાવવામાં આવેલો વધુ એક આરોપ હતો. આ ઉપરાંત ધર્મશાળામાં આઉટ ફિલ્ડ અને દિલ્હીમાં પર્યાવરણીય સ્થિતિને પણ મુદ્દો બનાવ્યો હતો.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માર્ક રામપ્રકાશનું કહેવું છે કે કેટલાક લોકો ભારતીય ક્રિકેટની ખોટી ઈમેજ રજૂ કરવા માટે આવી ઘટનાઓની હંમેશા શોધમાં રહેતા હોય છે. તેમણે ગાર્ડિયનમાં લખ્યું ક્રિકેટમાં ભારતના પ્રભુત્વને સ્વીકારવામાં કેટલાક લોકોને મુશ્કેલી પડે છે.
કેટલાક લોકો ક્રિકેટમાં ભારતના પાવરને પચાવી શકતા નથી
રામ પ્રકાશનું માનવું છે કે લોકો જાણી જોઈને નેગેટિવ હોય છે. તેમને લાગે છે કે કેટલાક લોકો પૂર્વાગ્રહના શિકાર છે, જેઓ ભારતને ઉપનિવેશ તરીકે જુએ છે અને ક્રિકેટમાં તેની તાકાતને પચાવી શકતા નથી.
આ પણ વાંચો – વર્લ્ડ કપ ફાઇનલ : આ 5 ઓસ્ટ્રેલિયન ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનતા રોકી શકે છે
ક્રિકેટ વર્લ્ડ કપ ખૂબ જ સફળ રહ્યો
રામપ્રકાશે લખ્યું કે 47 મેચ રમાઈ છે અને એક મેચ બાકી છે. રવિવારે અમદાવાદમાં રમાનાર ભારત-ઓસ્ટ્રેલિયાની મેચનું જે પણ પરિણામ આવે, ક્રિકેટ વર્લ્ડ કપ ખૂબ જ સફળ રહ્યો છે. અદ્ભુત ક્રિકેટ થયું છે પરંતુ તમારે લોજિસ્ટિક્સ ઓપરેશનની પણ પ્રશંસા કરવી પડશે. જેણે ટૂર્નામેન્ટને આ વિશાળ દેશમાં કોઈ પણ સમસ્યા વિના કરાવી છે.
દરેક મોડ પર ભ્રષ્ટાચાર કે ષડયંત્ર શોધવામાં આવી રહ્યું છે
આમ છતાં મને લાગે છે કે કેટલાક લોકો અને મીડિયાનો અમુક વર્ગ દરેક મોડ પર ભ્રષ્ટાચાર અથવા ષડયંત્રની શોધમાં છે. ધર્મશાળામાં ખરાબ આઉટફિલ્ડ, દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અને વાનખેડેમાં કઈ વિકેટનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સમાચાર કહે છે.
કોણ છે માર્ક રામ પ્રકાશ?
માર્ક રામપ્રકાશ ઈંગ્લેન્ડના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે 1991થી 2002 દરમિયાન 52 ટેસ્ટ અને 18 વન ડે રમ્યા છે. તેમણે 2014થી 2019 સુધી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બેટિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર 2001માં જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારતની મુલાકાતે આવી હતી ત્યારે રામ પ્રકાશે જણાવ્યું હતું કે તેમના પિતાના દાદા-દાદી ઉત્તર પ્રદેશના સુલતાનપુરના છે.