World Cup 2023 : દક્ષિણ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર ક્વિન્ટન ડી કોકે વર્લ્ડ કપ 2023 પછી વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ પહેલા તે વર્લ્ડ કપને ખાસ બનાવવામાં લાગેલો છે. તેણે પૂણેમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી છે. વર્લ્ડ કપ 2023માં આ તેની ચોથી સદી છે. ડી કોક જે પ્રકારના ફોર્મમાં છે તે જોતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ ખતરામાં છે.
સાઉથ આફ્રિકા સેમિ ફાઇનલમાં પહોંચવાની દાવેદારીમાં છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ દક્ષિણ આફ્રિકાને વધુ બે મેચ રમવાની છે. જો પ્રોટીઝ ટીમ સેમિ ફાઈનલમાં પહોંચે છે તો રોહિત શર્માનો વર્લ્ડ કપમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડી શકે છે. રોહિત શર્માએ 2019 વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી હતી. ડી કોકે આ વર્લ્ડ કપમાં 4 સદી ફટકારી દીધી છે અને તે 2 સદી ફટકારીને આ રેકોર્ડ તોડી શકે છે. ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારીને તેણે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાની બરાબરી કરી લીધી છે. સંગાકારાએ 2015ના વર્લ્ડ કપમાં 4 સદી ફટકારી હતી.
સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે?
વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. 2003ના વર્લ્ડ કપમાં સચિને 11 મેચમાં 61.18ની એવરેજથી 673 રન બનાવ્યા હતા. ડી કોકે 7 મેચમાં 77.85ની એવરેજથી 545 રન બનાવી લીધા છે. સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાથી તે 129 રન જ દૂર છે. ડી કોક જે રીતે ફોર્મમાં છે તે જોતા 3 મેચમાં આ રેકોર્ડ સુધી પહોંચવું એ કોઈ મોટી વાત નથી.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023માં આ ખેલાડીએ ફટકારી છે સૌથી વધારે અડધી સદી, નામ સાંભળીને ચોંકી જશો
જેક કાલિસનો રેકોર્ડ તોડ્યો
ડી કોકે 36મી ઓવરમાં જીમી નિશમના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. 40મી ઓવરના છેલ્લા બોલ પર ટિમ સાઉથીએ તેને પેવેલિયન મોકલી દીધો હતો. તેણે 116 બોલમાં 114 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ 2023માં તેણે 7 મેચની 7 ઇનિંગ્સમાં 77.86ની એવરેજ અને 112.60ની સ્ટ્રાઇક રેટથી 545 રન બનાવ્યા છે. આ ઇનિંગ્સ દરમિયાન ડી કોક વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ જેક કાલિસના નામે હતો. તેણે 2007ના વર્લ્ડ કપમાં 9 ઇનિંગ્સમાં 485 રન બનાવ્યા હતા.
હર્શેલ ગિબ્સની બરાબરી
ડી કોકે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ બાદ ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી. આ તેની ODI કારકિર્દીની 21મી સદી હતી. તેણે દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ સદી ફટકારવાના મામલે હર્શલ ગિબ્સની બરાબરી કરી હતી. ગિબ્સના નામે 21 સદી છે. 25 સદી સાથે એબી ડી વિલિયર્સ અને 27 સદી સાથે હાશિમ અમલા ડી કોકથી આગળ છે.





