World Cup 2023 : ક્રિકેટ વર્લ્ડ કપની 13મી સિઝનનું આયોજન ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર, 2023 દરમિયાન થઇ રહ્યું છે. આઈસીસીની આ એક મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે. તેમાં ટેસ્ટ રમતા તમામ દેશો ઉપરાંત ક્વોલિફાઈંગ દેશો પણ ભાગ લેતા રહ્યા છે. આ વખતે 46 દિવસની સ્પર્ધામાં કુલ 48 મેચ રમાશે.
તમામ 10 ટીમો વચ્ચે સ્પર્ધાની 45 મેચો રાઉન્ડ રોબિન લીગ ફોર્મેટ પ્રમાણે રમાશે. બેસ્ટ 4 ટીમ સેમિ ફાઈનલ રમશે. જ્યારે ત્રણ નોકઆઉટ મેચ, બે સેમિ ફાઈનલ અને એક ફાઈનલ રમાશે. વર્લ્ડ કપની અત્યાર સુધીમાં બાર સિઝન રમા ચૂકી છે. આ સમય દરમિયાન ઘણી રસપ્રદ કહાની જાણો.
વર્લ્ડ કપની સફર
પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ 1975માં ઇંગ્લેન્ડમાં યોજાયો હતો. ત્યારથી તે દર ચાર વર્ષે યોજવામાં આવે છે (1992 માં પાંચ વર્ષ અને 1999માં ત્રણ વર્ષના આયોજનને છોડીને). ઈંગ્લેન્ડમાં સૌથી વધુ 1975, 1979, 1983, 1999 અને 2019માં પાંચ વખત રમ્યો છે. ભારત અને પાકિસ્તાનમાં 1987, 1996, 2011માં. 1996માં શ્રીલંકા પણ સામેલ હતું. 1992 અને 2015માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં બે વખત. દક્ષિણ આફ્રિકા (2003) અને વેસ્ટ ઇન્ડીઝ (2007) એક-એક વખત આ ટૂર્નામેન્ટની યજમાની કરી ચૂક્યા છે.
ઓસ્ટ્રેલિયાના નામે સૌથી વધુ પાંચ ટાઇટલ
ઓસ્ટ્રેલિયાના નામે સૌથી વધુ પાંચ ટાઇટલ છે. ભારત પાસે બે અલગ-અલગ ઓવરના વર્લ્ડ કપ છે. 1983માં 60 ઓવરનો વર્લ્ડ કપ રમાતો હતો અને 2011માં 50 ઓવરનું ટાઇટલ છે. સચિન તેંડુલકરે વર્લ્ડ કપમાં સૌથી વધુ 2278 રન બનાવ્યા છે, જ્યારે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર (237) ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના નામે છે. સૌથી મોટી ભાગીદારી વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેલ અને માર્લોન સેમ્યુઅલના નામે (372 રન) નામે છે. સૌથી વધુ 71 વિકેટ લેવાનો રેકોર્ડ ગ્લેન મેકગ્રાના નામે છે. ભારતીય બોલર ચેતન શર્માના નામે વર્લ્ડ કપની સૌપ્રથમ હેટ્રિક લેવાનો રેકોર્ડ છે, જે 1987માં ઝડપી હતી.
આ પણ વાંચો – રોહિત શર્મા અને શુભમન ગિલમાં ચાલી રહી છે જોરદાર સ્પર્ધા, આ મામલે કોણ એકબીજાને રાખશે પાછળ
1987માં 60 ઓવર ઘટાડીને 50 ઓવર કરવામાં આવી
1987માં પહેલી વખત ઈંગ્લેન્ડની બહાર ભારત-પાકિસ્તાનની યજમાનીમાં વર્લ્ડ કપનું આયોજન થયું હતું. આ વર્લ્ડ કપમાં પહેલી વખત મેચમાં ઓવર 60થી ઘટાડીને 50 કરવામાં આવી હતી. 1992માં પહેલી વખત વર્લ્ડ કપમાં રંગબેરંગી ડ્રેસ, વ્હાઇટ બોલ, ડે-નાઇટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઈન્ડીઝના ક્લાઈવ લોઈડ (1975 અને 1979) અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (2003 અને 2007)ના નામે તેમની કેપ્ટન્સીમાં બે-બો વખત વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ છે.
અત્યાર સુધીના વિશ્વ વિજેતાઓ
અત્યાર સુધીમાં બાર વર્લ્ડ કપ થયા છે, જે પાંચ દેશો – ઓસ્ટ્રેલિયા 1987, 1999, 2003, 2007 અને 2015 એમ પાંચ વખત, વેસ્ટ ઇન્ડીઝ 1975 અને 1979 અને ભારત 1983 અને 2011 એમ બે-બે વખત. જ્યારે પાકિસ્તાન 1992, શ્રીલંકા 1996 અને ઇંગ્લેન્ડ 2019 એક-એક વખત વર્લ્ડ કપ જીતવા સફળ રહ્યા છે. ક્રિકેટ જગતમાં લાંબા સમયથી પ્રભુત્વસભર દેખાવ કરનારા સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ હજુ પણ વર્લ્ડ ટાઈટલથી વંચિત છે.
વર્લ્ડ કપની સૌથી ધીમી ઈનિંગ્સ
વર્લ્ડ કપમાં સૌથી ધીમી ઈનિંગ્સ રમવાનો અનોખો રેકોર્ડ હજુ પણ સુનિલ ગાવસ્કરના નામે છે. 7 જૂન, 1975ના રોજ ભારતની મેચ ઇંગ્લેન્ડ સામે હતી. ઇંગ્લેન્ડે 60 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 334 રન બનાવ્યા હતા. બધાને આશા હતી કે ગાવસ્કર ઝડપી રન બનાવશે. પરંતુ ઓપનિંગમાં આવેલા ગાવસ્કર 60 ઓવરમાં 174 બોલ રમીને એક ચોગ્ગા સાથે માત્ર 36 રન જ બનાવ્યા હતા. તેઓ અણનમ પેવેલિયનમાં પાછા ફર્યા હતા. ગાવસ્કરની આ ઈનિંગ્સને આજે પણ વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી ધીમી ઈનિંગ્સ કહેવાય છે. આ જ ગાવસ્કરે 1987માં ન્યૂઝીલેન્ડ સામે નાગપુરમાં 85 બોલમાં સદી પણ ફટકારી હતી, જે તે સમયે બીજી સૌથી ઝડપી સદી હતી.