Ind vs NZ: વન-ડે વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ હતી. આ અત્યંત રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે ભારે મહેનત કરવી પડી હતી. રોહિત શર્માની બ્રિગેડે ન્યૂઝીલેન્ડની ટીમને 70 રનથી હરાવીને ગત વર્લ્ડ કપ (2019)ની સેમિ ફાઈનલમાં મળેલી હારનો બદલો લઇ લીધો છે.
આ જીત સાથે જ ભારત વન-ડે વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પણ પહોંચી ગયું છે અને ટીમ ઇન્ડિયાએ ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. 2011 પછી ભારતીય ટીમે 12 વર્ષ પછી વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રોહિત શર્મા હવે કપિલ દેવ, સૌરવ ગાંગુલી અને એમએસ ધોની બાદ ભારતને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડનારો ચોથો કેપ્ટન બની ગયો છે.
ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ ઇન્ડિયાએ કિવી સામે શાનદાર બેટિંગ કરીને 50 ઓવરમાં 4 વિકેટે 397 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 47 રન, વિરાટ કોહલીએ 117 રન, શુભમન ગિલે અણનમ 80 રન, શ્રેયસ ઐય્યરે 105 રન અને કેએલ રાહુલે અણનમ 39 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે ટિમ સાઉથીએ 3 વિકેટ જ્યારે ટ્રેન્ટ બોલ્ટે એક વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – કોહલીની વર્લ્ડ કપમાં ‘વિરાટ’ સદી, સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ન્યૂઝીલેન્ડને જીતવા માટે 398 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો અને આ ટીમે જોરદાર સંઘર્ષ કરતાં મેચ રોમાંચક બનાવી દીધી હતી. કિવી ટીમની બે વિકેટ માત્ર 39 રનમાં પડી ગઈ હતી પરંતુ આ પછી કેપ્ટન કેન વિલિયમસન અને ડેરિલ મિચેલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 181 રનની ભાગીદારી થઈ હતી અને ભારતીય ટીમ મુશ્કેલીમાં દેખાઈ રહી હતી. આ પછી શમીએ કેન આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી અને ભારતને રાહત આપી હતી. કેપ્ટન કેને આ મેચમાં 69 રનની ઈનિંગ્સ રમી હતી જ્યારે ડેરિલ મિચેલે 134 રન ફટકાર્યા હતા. શમીએ 7 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે
1983માં પહેલીવાર ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી અને ચેમ્પિયન બની હતી. આ પછી ટીમ 2003માં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ પરાજય થયો હતો. જ્યારે ત્રીજી વખત ટીમ 2011માં ફાઇનલમાં પહોંચી હતી અને એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ બીજી વખત ચેમ્પિયન બની હતી. હવે ચોથી વખત ટીમ રોહિત શર્માની કેપ્ટનશિપમાં ફાઇનલમાં પહોંચી છે. ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા સામે થશે, જે બીજી સેમિ ફાઈનલમાં ટકરાશે અને આ મેચ 16 નવેમ્બરે રમાશે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે.





