Virat Kohli ODI Century : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને વન-ડે વર્લ્ડ કપમાં ટીમ માટે ઘણા રન બનાવી રહ્યો છે. વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે અણનમ 103 રનની ઇનિંગ્સ રમી હતી જે તેની 48મી સદી હતી. હવે તે સચિન તેંડુલકરના વન-ડેમાં સદીનો રેકોર્ડ તોડવાથી ફક્ત 2 સદી દૂર છે અને તેની પાસે તક પણ છે. ભારત પોતાની છઠ્ઠી લીગ મેચ ઇંગ્લેન્ડ સામે રમશે. આ પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે કોહલી વન-ડે કારકિર્દીની 50મી સદી ફટકારશે.
જન્મ દિવસ પર 50મી સદી ફટકારશે કોહલી
સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા સુનીલસ ગાવસ્કરે કહ્યું કે વિરાટ કોહલી પોતાના જન્મદિવસ પર પોતાની 50મી વનડે સદી ફટકારશે. તેમણે એ વાત પર ભાર આપતા કહ્યું કે જ્યારે તમે કોલકાતામાં સદી ફટકારો છો તો તે જોવા લાયક હોય છે. વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી (49) ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડ કરતાં કોહલી માત્ર એક જ સદી પાછળ છે. ગાવસ્કરે કહ્યું કે જ્યારે કોહલી તેના જન્મદિવસ પર સાઉથ આફ્રિકા સામે 50મી વન ડે સદી ફટકારી ત્યારે આનાથી વધુ સારું બીજું શું હોઈ શકે. જ્યારે કોલકાતાના ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં તમારા માટે ઉભા થઇને તાળીઓ પાડે છે તેનાથી વધુ શાનદાર બીજું કંઈ હોઈ શકે નહીં.
આ પણ વાંચો – ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપની સૌથી ફાસ્ટેસ્ટ સદી ફટકારી, 18 દિવસની અંદર જ માર્કરામનો રેકોર્ડ તોડી નાખ્યો
વિરાટ કોહલીએ વન-ડેમાં 48 સદી ફટકારી
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીનો જન્મ દિવસ 5 નવેમ્બરે છે અને ભારતે આ દિવસે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવાનું છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 48 સદી ફટકારી છે અને 5 નવેમ્બર પહેલા ભારત 29 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ સામે અને 2 નવેમ્બરે મુંબઇમાં શ્રીલંકા સામે રમવાનું છે. હવે 5 નવેમ્બરે 50મી સદી ફટકારતાં પહેલા કોહલીએ ઈંગ્લેન્ડ કે શ્રીલંકા સામે 49મી સદી ફટકારવી પડશે અને તે પછી જ તે તેની 50મી સદી ફટકારી શકશે.
વિરાટ કોહલી વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. તેણે બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. આ પછી બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 95 રને આઉટ થયો હતો અને તે 49મી વન ડે સદી ચૂકી ગયો હતો. તેણે વન ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 354 રન બનાવ્યા છે.





