Hardik Pandya Injury Update : ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પૂણેથી બેંગલુરુ જવા રવાના થયો છે. વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો, જે બાદ તેણે મેદાન છોડવું પડ્યું હતું. હાર્દિક એનસીએમાં રહેશે જ્યાં ઈંગ્લેન્ડના ડોક્ટર તેની સારવાર કરશે. પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે ઉપલબ્ધ નહીં હોય પરંતુ તે પછી ટીમ સાથે જોડાશે.
હાર્દિક પંડ્યા એનસીએમાં જ રહેશે
બીસીસીઆઈના એક અધિકારીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે હાર્દિકને બેંગલુરુ મોકલવામાં આવી રહ્યો છે જ્યાં તે NCAને રિપોર્ટ કરશે. મેડિકલ ટીમ તેના પગની ઘૂંટણનો સ્કેન રિપોર્ટ જોશે અને એવું લાગે છે કે ઈન્જેક્શન બધું ઠીક કરી દેશે. બીસીસીઆઈએ ઈંગ્લેન્ડના ડૉક્ટરનો પણ સંપર્ક કર્યો જેમણે પણ આ જ વાત કહી છે. હાર્દિક આગામી મેચ નહીં રમે.
બીસીસીઆઈએ સત્તાવાર નિવેદન જારી કર્યું
બીસીઆઈએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યા 20 ઓક્ટોબરે ધર્મશાળાની ફ્લાઈટમાં જશે નહીં અને હવે તે સીધો લખનઉમાં ટીમ સાથે જોડાશે. ભારતે લખનઉમાં ઈંગ્લેન્ડ સામે મેચ રમવાની છે. તેમણે કહ્યું કે હાર્દિકને આરામની સલાહ આપવામાં આવી છે. આ દરમિયાન તે મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે.
હાર્દિક પંડ્યાની ઇજા પર રોહિત શર્માએ શું કહ્યું
રોહિત શર્માએ મેચ પછી હાર્દિકની ઇજા કહ્યું કે થોડો સોજો છે. ત્યાં કોઈ મોટી ઈજા નથી જે આપણા માટે સારી બાબત છે. પરંતુ આ પ્રકારની ઈજા સાથે અમારે દરરોજ તેનું મૂલ્યાંકન કરવું પડશે અને અમે જે જરૂરી હશે તે કરીશું.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : વિરાટ કોહલીએ 6 વર્ષ પછી વન-ડેમાં બોલિંગ કરી, જાણો કેમ કરવી પડી ઓવર
કોમેન્ટ્રી કરી રહેલા ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈને પુષ્ટિ કરી હતી કે પંડ્યા બાકીની મેચમાં મેદાનમાં ઉતરશે નહીં. આના થોડા સમય બાદ બીસીસીઆઈએ મેડિકલ અપડેટમાં કહ્યું હતું કે હાર્દિક પંડ્યાની ઈજાની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશ સામે ભારતનો 7 વિકેટે વિજય
વિરાટ કોહલીની અણનમ સદી (103) અને શુભમન ગિલની અડધી સદી (52)ની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે વર્લ્ડ કપ 2023માં સતત ચોથો વિજય મેળવ્યો છે





