WPL 2024: મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ) 2024ના કરો યા મરોના મુકાબલામાં આરસીબીની ઓલરાઉન્ડર એલિસા પેરીએ મુંબઈ ઈન્ડિયન્સની હાલત કફોડી કરી નાખી છે. ઓસ્ટ્રેલિયાની આ ખેલાડીએ મુંબઈ સામેની મેચમાં ટૂર્નામેન્ટની શ્રેષ્ઠ બોલિંગ ફેંકી છે. તેણે 4 ઓવરના સ્પેલમાં માત્ર 15 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગના કારણે મુંબઈની આખી ટીમ 19 ઓવરમાં 113 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
મારિઝાને કૈપનો રેકોર્ડ તોડ્યો
એલિસા પેરીએ મહિલા પ્રીમિયર લીગ નો શ્રેષ્ઠ દેખાવ કરીને ઇતિહાસ રચ્યો હતો. તેણે સાઉથ આફ્રિકાની મારિઝાને કૈપનો રેકોર્ડ તોડયો છે. મારિઝાને 2023માં ગુજરાત જાયન્ટ્સ સામે 15 રનમાં 5 વિકેટ ઝડપી હતી. ત્રીજા સ્થાને આશા શોબાના છે, જેણે આ સિઝનમાં યુપી વોરિયર્સ સામે 22 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ચોથો નંબરે દિલ્હી કેપિટલ્સની તારા નોરિસે છે. જેણે 29 રનમાં 5 વિકેટ ઝડપી હતી. પાંચમા નંબર પર કિમ ગાર્થ છે, જેણે યુપી વોરિયર્સ સામે 36 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – આઈપીએલ 2024 પછી એમએસ ધોનીનો ઉત્તરાધિકારી કોણ હશે?
એલિસા પેરીએ આ ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા
એલિસ પેરીએ તેના સ્પેલમાં એસ સાજના (30), નેટ સ્કીવર બ્રન્ટ (10), કેપ્ટન હરમનપ્રીત કૌર (0), એમેલિયા કેર (2), અમનજોત કૌર (4) અને પૂજા વસ્ત્રાકર (6)ની વિકેટ ઝડપી હતી. સૌથી મોટી વિકેટ હરમનપ્રીત કૌરની હતી. આ મેચમાં હરમનપ્રીત કૌર ગોલ્ડન ડકનો શિકાર બની હતી. એલિસાની ઘાતક બોલિંગ સામે મુંબઈની ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી અને 19 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આરસીબીએ મુંબઈ સામે વિજય મેળવ્યો
આરસીબીએ કરો યા મરોનો મુકાબલોમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જ તેણે મહિલા પ્રીમિયર લીગના અલિમિનેટર મુકાબલમાં સ્થાન બનાવી લીધું છે. બીજી તરફ મુંબઈની ટીમ પહેલા જ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે.





