Brij Bhushan Sharan Singh : ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા વિનેશ ફોગાટ મંગળવારે (30 મે) ભારતીય કુસ્તી ફેડરેશન (ડબ્લ્યુએફઆઈ)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે કાર્યવાહી ન કરવાના વિરોધમાં હર કી પૌડી પહોંચ્યા હતા. રેસલર્સ એમ કહીને હરિદ્વાર પહોંચ્યા હતા કે તેમના મેડલ્સ નદીમાં વિસર્જિત કરવામાં આવશે. જોકે ખેડૂત નેતા નરેશ ટિકૈતની સમજાવટથી પહેલવાનોએ પોતાનો વિચાર બદલીને મેડલ ટિકૈતને સોંપી દીધા હતા. તો બીજી તરફ ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહે કહ્યું કે જો મારી સામે એક પણ આરોપ સાબિત થશે તો હું પોતે ફાંસી પર લટકી જઇશ.
દોષિત સાબિત થઇશ તો ફાંસીએ લટકી જઈશઃ બ્રિજભૂષણ સિંહ
રેસલર્સએ તેમના મેડલ પરત કરવા અંગે પૂછવામાં આવતા બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું હતું કે જો મારી સામે એક પણ આરોપ સાબિત થશે, તો હું મારી જાતને ફાંસીએ લટકાવી દઈશ. આજે પણ હું આ વાત પર અડગ છું. ચાર મહિના થઈ ગયા છે તેઓ મારી ફાંસી ઇચ્છે છે પરંતુ સરકાર મને ફાંસી આપી રહી નથી, તો તેઓ (રેસલર્સ) તેમના મેડલ્સ લઈને ગંગામાં પધરાવવા જઈ રહ્યા છે. મારા પર આરોપ લગાવનારા લોકો દ્વારા ગંગામાં મેડલ પધરાવવાથી બ્રિજભૂષણને ફાંસી થશે નહીં.
રેસલર્સના પગલાને ઇમોશનલ ડ્રામા ગણાવ્યું
બ્રિજભૂષણે કહ્યું કે જો તમારી પાસે પુરાવા હોય તો તે કોર્ટને આપી દો અને જો કોર્ટ મને ફાંસીએ લટકાવી દેશે તો હું તેનો સ્વીકાર કરું છું. ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ યુપીના બારાબંકીમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આરોપોમાં જો કોઇ સચ્ચાઇ હશે તો ધરપકડ કરવામાં આવશે. તેઓ પોતાના મેડલ ગંગામાં પધરાવવા માટે હરિદ્વાર ગયા હતા પરંતુ બાદમાં તેને ટિકૈતને સોંપી દીધા હતા. આ તેમનું સ્ટેન્ડ છે, અમે શું કરી શકીએ?
આ પણ વાંચો – મહિલા પહેલવાનો જાતિય સતામણી કેસમાં IOC પહેલીવાર સામે આવી : દુઃખ વ્યક્ત કરતા કહ્યું “નિષ્પક્ષ, ફોજદારી તપાસ” થવી જોઇએ
ભાજપના સાંસદે કહ્યું કે જો તમારી પાસે કોઈ પુરાવા હોય તો જાઓ અને તેને પોલીસ અથવા કોર્ટને આપો, કોર્ટ મને ફાંસી આપશે તો પછી હું તેનો સ્વીકાર કરું છું. આ એક ઇમોશનલ ડ્રામા છે. ગંગામાં મેડલ્સ પધરાવવાથી મને ફાંસી થશે નહીં. આ માટે પોલીસ અને કોર્ટેમાં સાબિતી આપવી જોઈએ. આવું ક્યારે થયું, ક્યાં થયું અને કોની સાથે થયું સામે આવીને ખેલાડીઓએ સાબિતી આપવી જોઈએ.
તેમની સફળતામાં મારો ઘણો પરસેવો લાગ્યો : બ્રિજ ભૂષણ
બ્રિજભૂષણે કહ્યું કે ચાર મહિના થઈ ગયા છે પરંતુ આજ સુધી કોઈ પણ મારી વિરુદ્ધ એક પણ પુરાવા આપી શક્યું નથી. આ ઈમોશનલ ડ્રામાથી કોઈ ફાયદો નહીં થાય. આજે આવા આરોપોથી કોઈ પણ સુરક્ષિત નથી. ખેલાડીઓને હું કોઇ દોષ આપીશ નહીં. તેમની સફળતામાં મારો પરસેવા લાગ્યો છે. બધા જ ખેલાડીઓ મારા બાળક જેવા છે, થોડા દિવસો પહેલા તેઓ મને કુસ્તીના ભગવાન કહેતા હતા. જ્યારે મેં કુસ્તીને સંભાળી ત્યારે ભારત વર્લ્ડ રેન્કિંગમાં 20માં સ્થાને હતું. આજે મારી સખત મહેનત બાદ દુનિયાની બેસ્ટ પાંચ કુશ્તી ટીમોમાં ભારતનું નામ છે.
ઇન્ડિયા ગેટ પાસે સુરક્ષા દળો તૈનાત
બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગ સાથે રેસલર્સ મંગળવારે ગંગા નદીમાં તેમના મેડલ્સનું વિસર્જન કરવા માટે હર કી પૌડી પહોંચ્યા હતા. જોકે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ નરેશ ટિકૈતની વિનંતી પર તેમણે પોતાનો નિર્ણય 5 દિવસ માટે ટાળી દીધો અને મેડલ્સ નરેશ ટિકૈતને સોંપી દીધા હતા. જો કે ધ ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર ભાજપના નેતાના ફોન કોલ અને પરિવારના દબાણને કારણે કુસ્તીબાજોએ પોતાનો પ્લાન બદલી નાખ્યો હતો. કુસ્તીબાજોએ ભૂખ હડતાલની જાહેરાત કર્યા બાદ બુધવારે દિલ્હીના ઇન્ડિયા ગેટ નજીક મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.