વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ડિફેન્સિવ માઇન્ડસેટ ટીમ ઇન્ડિયાને પડ્યો ભારે, આ 5 કારણોથી થયો પરાજય

India vs Australia, WTC 2023 Final : ટીમ ઇન્ડિયાનો 209 રને પરાજય, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના 444 રનના પડકાર સામે ભારત 234 રનમાં ઓલઆઉટ

Written by Ashish Goyal
June 11, 2023 19:57 IST
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ડિફેન્સિવ માઇન્ડસેટ ટીમ ઇન્ડિયાને પડ્યો ભારે, આ 5 કારણોથી થયો પરાજય
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 2023માં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને 209 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો (તસવીર - આઈસીસી ટ્વિટર)

WTC Final 2023 : આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 2023માં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને 209 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડિયા સતત બીજી વખત ડબલ્યુટીસી ફાઇનલમાં હારી છે. આ પહેલા ન્યૂઝીલેન્ડ સામે 2021માં પરાજય થયો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ટોસ જીત્યા પછી બોલિંગ પસંદ કર્યા બાદ જ બેકફૂટ પર હતી. પહેલા બોલિંગ પસંદ કરવાના નિર્ણય પર પણ સવાલ ઉભા થયા હતા. આ સિવાય ટીમમાં રવિચંદ્રન અશ્વિનના સ્થાને 4 ફાસ્ટ બોલર્સનો સમાવેશ કર્યો હતો. આ નિર્ણય સામે પણ સવાલો ઉભા થયા હતા. અહીં તમને ટીમ ઇન્ડિયાના હારના 5 કારણો જણાવી રહ્યા છીએ.

ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય

ટેસ્ટ ક્રિકેટમાં ટીમો ટોસ જીત્યા બાદ બહુ ઓછી વખત બોલિંગ કરવાનું પસંદ કરે છે. રોહિત શર્માએ વાદળછાયા વાતાવરણનો હવાલો આપીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા જ દિવસે મોટો સ્કોર બનાવ્યો હતો. પ્રથમ દિવસે ટીમે 327 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે સદી ફટકારી હતી. કાંગારુ ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 469 રન બનાવ્યા હતા.

પહેલા દિવસે ખરાબ બોલિંગ

પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાના બોલર્સે ખૂબ જ ખરાબ બોલિંગ કરી હતી. પ્રથમ દિવસે લંચ બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક સમયે 76 રનમાં 3 વિકેટ હતો. આ પછી ટ્રેવિસ હેડ આવ્યો અને તેણે સ્ટિવ સ્મિથની સાથે શાનદાર બેટિંગ કરી હતી. ભારતીય બોલરોએ ખૂબ જ ખરાબ બોલિંગ કરી હતી.

રવિચંદ્રન અશ્વિનને ન રમાડવો ભારે પડ્યો

ડબલ્યુટીસી ફાઇનલ શરૂ થયા પહેલા રવિચંદ્રન અશ્વિનને રમાડવો જોઇએ કે 4 ફાસ્ટ બોલરને લેવા જોઈએ તેને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. રોહિત શર્માની ટીમ 4 ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી હતી. ઉમેશ યાદવને રવિચંદ્રન અશ્વિનના સ્થાને રમાવડો ભારતને ભારે પડ્યું હતું. ઉમેશે પહેલા દિવસે ઘણી સાધારણ બોલિંગ કરી હતી. અશ્વિનને તક આપવાથી બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ એક વિકલ્પ મળ્યો હોત.

આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા વિજેતા, ટીમ ઇન્ડિયાનો 209 રને પરાજય

ખરાબ બેટિંગ

469 રનના સ્કોર બાદ ટોપ ઓર્ડરની નિષ્ફળતાને કારણે ટીમ ઇન્ડિયા મેચમાં ઘણી પાછળ રહી ગઇ હતી. 71 રનના સ્કોરમાં જ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયા માત્ર 296 રન જ બનાવી શકી હતી. બીજી ઈનિંગ્સમાં ટીમ ઈન્ડિયાને 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ બીજી ઇનિંગ્સમાં વિકેટો ફેંકી દીધી હતી. બધા ખેલાડીઓને સારી શરૂઆત મળી પરંતુ કોઇ પણ તેને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યો નહીં.

ઈજા પણ પડી ભારે

ટીમ ઇન્ડિયાને આ મેચમાં જસપ્રીત બુમરાહ જેવા બોલર અને રિષભ પંત જેવા બેટ્સમેનની ખોટ પડી હતી. ઋષભ પંતે વિદેશમાં ઘણી મેચો મુશ્કેલ સ્થિતિમાંથી બચાવી છે. જ્યારે ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો ત્યારે તેણે ટીમને સંકટમાંથી ઉગારી હતી. કે.એસ.ભરતને કોઈ અનુભવ નથી. આ સાથે જ કેએલ રાહુલ પણ ઇજાના કારણે બહાર થઇ ગયો હતો. ઇંગ્લેન્ડમાં તેના ટેસ્ટ રેકોર્ડ સારા છે. આ સાથે જ ઈંગ્લેન્ડમાં જસપ્રીત બુમરાહ જેવા બોલરની ગેરહાજરીએ બોલિંગ આક્રમણને નબળી પાડી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ