WTC final 2023: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. આ મેચ માટે બંને ટીમો પોતાની પૂરી તાકાત લગાવવા માટે તૈયાર છે. જોકે આ મેચમાં ટીમ કઈ પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરશે તેને લઈને અસમંજસ છે. ઓસ્ટ્રેલિયાને આશા છે કે રવિન્દ્ર જાડેજા ફાઇનલમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં રહેશે પરંતુ રવિચંદ્રન અશ્વિનને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી.
જાડેજાનું સ્થાન નિશ્ચિત
ભારતે તાજેતરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. આ શ્રેણીમાં અશ્વિને 25 વિકેટ અને જાડેજાએ 22 વિકેટ ઝડપી હતી. બન્નેએ મળીને કુલ 47 વિકેટ ઝડપી હતી. કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયાના પ્રેક્ટિસ સેશન અગાઉ આસિસ્ટન્ટ કોચ ડેનિયલ વેટ્ટોરીએ કહ્યું કે ટીમ મેનેજમેન્ટે ભારતના સંભવિત બોલિંગ આક્રમણ અંગે ઘણી બધી વાતો કરી છે.
તેમણે કહ્યું કે અમે તેના વિશે વાત કરી રહ્યા છીએ. મને લાગે છે કે જાડેજા રમશે કારણ કે તે ઉપયોગી બેટર પણ છે. ચોથા બોલર અને ઓલરાઉન્ડર માટે શાર્દુલ ઠાકુર કે અશ્વિનમાંથી કોઈ એક હોઈ શકે છે પરંતુ બંને સારા વિકલ્પ છે. અશ્વિને ઇંગ્લેન્ડમાં સાત ટેસ્ટમાં 18 વિકેટ ઝડપી છે પરંતુ ઓવલ ખાતે તે માત્ર એક જ મેચ રમ્યો છે.
આ પણ વાંચો – આ 5 ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરશે તો 10 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બનશે
વેટ્ટોરીએ કહ્યું- અશ્વિનને તક નહીં મળે
વેટ્ટોરીએ કહ્યું કે અશ્વિન એક શાનદાર બોલર છે અને મોટાભાગની ટીમોમાં તે પહેલી પસંદ હશે પરંતુ ઓવલની પરિસ્થિતિમાં ટીમ કોમ્બિનેશનને જોતાં તેને બાકાત રાખવો પડી શકે છે. વેટ્ટોરીએ એમ પણ કહ્યું હતું કે ડબ્લ્યુટીસી ફાઇનલમાં કેમરુન ગ્રીનની ભૂમિકા આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શન પછી નિર્ણાયક રહેશે. હવે તૈયારી માટે કોઈ પણ ફોર્મેટ હોઈ શકે છે. તે આઈપીએલ દરમિયાન સતત ટેસ્ટ પ્રેક્ટિસ પણ કરતો હતો. ભારત સામેની શ્રેણીમાં અને આઇપીએલમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જે ટીમને કામમાં આવશે.





