આલુ મસાલા પૂરી એકદમ ટેસ્ટી હોય છે અને તેને ખાવાની બહુ જ મજા આવે છે.
આ તમે ગમે ત્યારે ખાઇ શકો છો. જેને તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં આલુ મસાલા પૂરી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ઘઉંનો લોટ, રવો, બટાકા, હળદર, ધાણાજીરૂ, રેડ ચીલી ફ્લેક્સ, અજમો, લીલું સમારેલું મરચું, લાલ મરચું, હીંગ, મીઠું સ્વાદ અનુસાર, સમારેલું આદુ, શેકેલું જીરું, કોથમીર, તેલ, પાણી.
સૌપ્રથમ બટાકા અને ત્રણથી ચાર સીટી વગાડી બાફી લો. ત્યારબાદ એક વાસણમાં બટાકાની છાલ કાઢી તે મેશ કરી લો.
મેશ કરેલા બટાકામાં ઘઉંનો લોટ, રવો, આખું જીરું, અજમો, રેડ ચીલી ફ્લેક્સ, લીલું સમારેલું મરચું, સમારેલું આદુ અને કોથમીર, હીંગ, હળદર, લાલ મરચું, મીઠું અને એક ચમચી તેલ નાખીને બધા મસાલા મિક્સ કરી લેવા.
આ પછી જરૂર મુજબ પાણી નાખી લોટ તૈયાર કરી લો. ઉપર ફરી એક ચમચી તેલ નાખી લોટને સારી રીતે મિક્સ કરી લેવો.
આ પછી કડાઈમાં તેલ ગરમ કરવા મુકી દો અને લોટના લૂઆ પાડી મીડિયમ સાઇઝની પૂરી વણી લો. ગરમ તેલમાં પુરી નાખો અને બંને બાજુથી ગોલ્ડન અને ફૂલીને દડા જેવી થાય ત્યાં સુધી તળી લો અને વાસણમાં કાઢી લો.
આ રીતે ટેસ્ટી અને ગરમાગરમ મસાલા આલુ પૂરી બનીને તૈયાર થઇ જશે.