તહેવારો અને ઉપવાસની સિઝન શરુ થઇ ગઇ છે. આ ગાળામાં ફરાળ ખાવામાં આવે છે.
અહીં અમે બદામનો હલવો બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જે ઉપવાસમાં ખાઇ શકો છો.
ઘી, પલાળેલી બદામ, દૂધ, ખાંડ, ઈલાયચી પાઉડર, કેસર, પાણી.
સૌ પ્રથમ બદામને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે પાણીને બદામ સાથે હળવું ગરમ કરો. આનાથી બદામને છોલવાનું કામ ખૂબ જ સરળ બનશે.
બદામને છોલીને મિક્સર જારમાં નાખો અને પીસી લો. તમે બદામને પીસવા માટે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. બદામનો હલવો થોડો બરછટ બને છે, તેથી તે મુજબ પીસી લો.
હવે એક પેનમાં 3-4 ચમચી ઘી નાખો અને તેમાં પીસેલી બદામ ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો.
હવે દૂધ થોડું થોડું ઉમેરો અને મિક્સ કરતા રહો. રંગ માટે બદામના હલવામાં પલાળેલા કેસર નાખો.
આ પછી બદામના હલવામાં મીઠાશ મુજબ ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો. થોડીવાર હલાવતા રહ્યા પછી, બદામનો હલવો ઘી છોડવા લાગશે.
આ પછી તેમાં પીસેલી એલાઇચી ઉમેરો અને તેને મિક્સ કરો. ગરમા ગરમ બદામનો હલવો તૈયાર છે. તમે તેને ઉપવાસમાં ખાઇ શકો છો.