Sep 10, 2025
જો તમે ચાઇનીઝ ખાવાના શોખીન હોય તો તમે નવી રેસીપી મશરૂમ મંચુરિયન ટ્રાય કરી શકો છો.
અહીં મશરૂમ મંચુરિયનની રેસીપી જણાવી રહ્યા છીએ. તમને ઘરે જ એકદમ હોટલ જેવો ટેસ્ટી સ્વાદ મળશે.
મશરૂમના ટુકડા, મેંદાનો લોટ, કોર્નફ્લોર, આદુ-લસણની પેસ્ટ, મીઠું, કાળા મરી, તેલ, બારીક સમારેલું આદુ, લસણ, લીલું મરચું, ડુંગળી, કેપ્સિકમ, સોયા સોસ, ચીલી સોસ, ટામેટાની ચટણી, વિનેગર, પાણી.
મશરૂમ મંચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં સમારેલા મશરૂમ, મેંદાનો લોટ, કોર્નફ્લોર, આદુ-લસણની પેસ્ટ, મીઠું અને કાળા મરી નાખો. તેમાં થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બેટર તૈયાર કરો.
ખાસ ધ્યાન રાખો કે બેટર ખૂબ પાતળું ન હોય, નહીં તો મશરૂમ પર કોટિંગ સારું ન લાગે.
હવે એક પેનમાં તેલ ગરમ કરો બેટરમાં મશરૂમના ટુકડા બોળીને ધીમે ધીમે તેલમાં નાખો અને ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તળેલા મશરૂમ બોલ્સને ટીશ્યુ પેપર પર કાઢીને વધારાનું તેલ કાઢી લો.
આ પછી મંચુરિયન સોસ બનાવવા માટે તે જ પેનમાંથી વધારાનું તેલ કાઢીને 1 ચમચી તેલ છોડી દો. આ ગરમ તેલમાં બારીક સમારેલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરો અને થોડીવાર માટે ફ્રાય કરો.
આ પછી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો અને 1-2 મિનિટ માટે હાઇ ફ્લેમ પર ફ્રાય કરો જેથી તે ક્રન્ચી રહે. ત્યારબાદ સોયા સોસ, ચીલી સોસ, ટામેટા સોસ અને વિનેગર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
છેલ્લે કોર્નફ્લોરનું દ્વાવણ અને મીઠું ઉમેરો અને સતત હલાવતા રહો જેથી ચટણી ઘટ્ટ થાય. જ્યારે ચટણી ઘટ્ટ થાય ત્યારે તેમાં તળેલા મશરૂમ બોલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
આ સાથે તમારું સ્વાદિષ્ટ મશરૂમ મંચુરિયન તૈયાર થઇ જશે. તેમને લીલી ડુંગળી અથવા ધાણાથી સજાવો અને ફ્રાઇડ રાઈસ અથવા નૂડલ્સ સાથે પીરસો.