Oct 11, 2025
દિવાળીમાં પહેલાના સમયમાં બધા જ ઘરોમાં બાજરીના વડા બનતા હતા. જોકે હવે આ ભાગ્યે જ બને છે.
ઘણા લોકોને તે કેવી રીતે બને છે તે પણ ખબર હશે નહીં. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. જેમાં એકદમ ફુલેલા અને ટેસ્ટી બનશે.
બાજરીનો લોટ, ઘઉંનો લોટ, તેલ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આદુની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, દહીં, અજમો, તલ, મીઠું, ખાવાનો સોડા, હીંગ, સમારેલી મેથીની ભાજી, સમારેલી કોથમીર, પાણી.
સૌપ્રથમ એક બાઉલમાં બાજરી અને ઘઉંનો લોટ લઈ મિક્સ કરી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, અજમો અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરવું
આ પછી તેમાં લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, સમારેલી મેથીની ભાજી અને સમારેલી કોથમીર ઉમેરી તેલનું મોણ નાખી મિક્સ કરવું.
હવે તેમાં દહીં અને તલ નાખી મિક્સ કરી લેવા. આ પછી ચપટી ખાવાનો સોડા અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ તૈયાર કરવો.
લોટને ઢાંકીને દસ મિનિટ રાખી દેવો. હવે લોટ માંથી લુઆ કરી લેવા અને તેને નાના સાઇઝની પુરીની જેમ બનાવી લેવા.
હવે ગેસની ફલેમ મીડીયમ રાખી કડાઇમાં તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં વડાને સોનેરી અને ક્રન્ચી થાય ત્યા સુધી તળી લેવા.
આ રીતે તમારા ટેસ્ટી બાજરીના વડા તૈયાર થઇ જશે. તમે તેને ચા, દહીં અને તળેલા લીલા મરચા સાથે ખાઇ શકો છો.