સામાન્ય રીતે લોકો કેરીમાંથી રસ બનાવીને વધેલા ગોટલા ફેંકી દેતા હોય છે. પરંતુ હવે આવી ભૂલ ન કરતા.
કારણ કે કેરીના વધેલા ગોટલામાંથી ટેસ્ટી ફજેતો બનાવી શકાય છે. જેને ભાત સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે.
ફજેતો બનાવવો એકદમ સરળ છે અને ફટાફટ બની જાય છે. જેમાં વધારે મહેનત લાગતી નથી.
થોડા પલ્પ સાથેના ગોટલા, પાણી, તેલ, રાઈ, હળદર, મીઠું, મરચું, લાલ સુકું મરચાં, મીઠા લિંમડાના પાન, હીંગ, ધાણા જીરું પાઉડર. લીલા ધાણા.
ફજેતો બનાવવા માટે કેરીનો રસ કાઢ્યા પછીના ગોટલામાં જેમાં થોડો પલ્પ બાકી હોય તેવા ગોટલાને પાણીમાં નાંખો.
ગોટલા પરનો પલ્પ હાથવડે કાઢીને ગોટલા સારી રીતે ધોઈ દો. પલ્પ વાળું પાણી બાજુ પર રાખો.
હવે એક તપેલીમાં જરૂર પ્રમાણે તેલ નાંખો, તેમાં સુકૂં મરચું, હીંગ, રાઈ, મીઠા લિંમડાના પાન નાખો અને વઘાર તૈયાર કરો.
ત્યાર બાદ કેરના પલ્પવાળું પાણી તપેલીમાં નાંખી દો. અને ઉપરથી જરૂર પ્રમાણે મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરું નાંખીને ઉકળવા દો.
બે ત્રણ ઉભરા આવ્યા બાદ ગેસ બંધ કરી દો. ઉપરથી કાપેલા લીલા ધાણા નાખો. આમ તૈયાર થઈ જશે ફજેતો, જેને ભાત સાથે ખાવાની ખુબ જ મજા પડી જશે.