Aug 06, 2025
હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને લોકો ફરાળ કરે છે. ફરાળમાં ઘણી વાનગીઓ તમે ખાઇ શકો છો.
આજે તમારા માટે ફરાળી ઉત્તપમ રેસીપી લઇને આવ્યા છીએ. જે એકદમ સ્વાદીષ્ટ બને છે.
સાબુદાણા, રાજગરાનો લોટ, ઘી અથવા તેલ, તલ, શેકેલી શીંગનો ભૂકો, ખાટું દહીં, બટાકાનું છીણ, ઝીણા સમારેલા લીલા મરચા , આદુ છીણેલું, સિંધાલૂણ, મરી પાઉડર, કોથમીર.
સાબુદાણાને મિક્સર જારમાં નાખી દરદરો પાઉડર કરી લો અને એક વાસણમાં કાઢી લો.
એક બાઉલમાં સાબુદાણાનો લોટ, રાજગરાનો લોટ, શેકેલી શીંગનો ભૂકો, ખાટું દહીં, બટાકાનું છીણ, ઝીણા સમારેલા લીલા મરચા, આદુ છીણેલું, સિંધાલૂણ, મરી પાઉડર નાખો અને સારી રીતે મિક્સ કરો.
આ પછી તેમાં પાણી નાખી બરાબર મિક્સ કરી જાડું ખીરુ તૈયાર કરી લો. તેને ઢાંકીને 10-15 મિનિટ રાખો. હવે પંદર મિનિટ પછી મિશ્રણ જાડું લાગે તો થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો. કોથમીર અને તલ મિક્સ કરી લો.
એક નોનસ્ટિક પેનમાં ઘી કે તેલ ગરમ કરવા મુકો. હવે એક મોટો ચમચો ભરી મિશ્રણ પાથરો. કિનારી ઉપર થોડું ઘી કે તલ પાથરો.
ઉપરની સાઇડ સુકાય અને નીચેથી ક્રિસ્પી થાય ત્યારે જ તાવેતાથી તેની બીજી બાજુ પલટાવો. બીજી બાજુ બ્રાઉન થાય એટલે ઉતારી લો.
આ રીતે તમારા ફરાળી ઉત્તપમ તૈયાર થઇ જશે. તેને ચટણી કે દહીં સાથે સર્વ કરી શકો છો.